(૨૬) અને કાફિરોએ કહ્યું કે, “આ કુરઆનને સાંભળો જ નહિ (જ્યારે તેને પઢવામાં આવે) અને નકામી વાતો કરો, કેવું વિચિત્ર કે તમે વર્ચસ્વ મેળવો.”
(૨૭) તો બેશક અમે આ કાફિરોને સખત સજાની મજા ચખાડીશું અને તેમને તેમના બૂરા કર્મોનો બદલો જરૂર આપીશું.
(૨૮) અલ્લાહના દુશ્મનોનો બદલો જહન્નમની આગ છે, જેમાં તેમનું હંમેશાનું ઘર હશે, (આ) બદલો છે અમારી આયતોનો ઈન્કાર કરવાનો.[1]
(૨૯) અને કાફિરો કહેશે કે, “હે અમારા રબ! જિન્નાતો અને મનુષ્યોના તે (બંને જૂથો) અમને દેખાડ, જેમણે અમને ભટકાવ્યા (જેથી) અમે તેમને અમારા પગના તળે નાખી દઈએ જેથી તેઓ ખૂબ નીચે (સખત અઝાબમાં) થઈ જાય.”
(૩૦) હકીક્તમાં જે લોકોએ કહ્યું કે, “અમારો રબ અલ્લાહ છે પછી તેના પર અડગ રહ્યા,[1] તેમના પાસે ફરિશ્તાઓ (એવું કહેતા) ઉતરે છે કે તમે જરા પણ ન ડરો, અને ન દુઃખી થાઓ, (બલ્કે) તે જન્નતની ખુશખબર સાંભળી લો જેનો તમને વાયદો આપવામાં આવ્યો છે.
(૩૧) અમે આ દુનિયાના જીવનમાં પણ તમારા મદદગાર છીએ અને આખિરતમાં પણ રહીશું, જે વસ્તુને તમારૂ દિલ ઈચ્છે અને જે કંઈ માંગો તે બધું જ તમારા માટે (જન્નતમાં હાજર) હશે.
(૩૨) માફ કરનાર મહેરબાન તરફથી આ બધું મહેમાની રૂપે છે. (ع-૪)