(૭૧) તમે કહો કે, “શું અમે અલ્લાહના સિવાય તેમને પોકારીએ જે અમારૂ ભલુ-બુરૂ ન કરી શકતા હોય? અને અલ્લાહની હિદાયત મળ્યા પછી ઉલટા પગે પાછા ફેરવી દેવામાં આવે ? જેમ કે શયતાને બહેકાવી દીધો હોય અને તે ધરતીમાં ભટકતો ફરતો હોય, તેના સાથી તેને સાચા રસ્તા તરફ પોકારી રહ્યા હોય કે અમારા પાસે આવો,''[27] તમે કહો કે, “અલ્લાહની હિદાયત જ હકીકતમાં હિદાયત છે. અને અમને હુકમ કરવામાં આવ્યો છે કે દુનિયાના માલિકના માટે આત્મસમર્પણ કરી દઈએ.”
(૭૨) અને નમાઝ કાયમ કરો અને તેનાથી (અલ્લાહથી) ડરો, તે જ છે જેના તરફ તમે ભેગા કરવામાં આવશો.
(૭૩) તેણે આકાશો અને ધરતીને સત્યની સાથે પેદા કર્યા, અને જે દિવસે કહેશે “થઈ જા” તો થઈ જશે, તેનું ફરમાન સત્ય છે અને જે દિવસે રણશિંગુ ફૂંકવામાં આવશે, બાદશાહી ફક્ત તેની જ હશે, તે જાણવાવાળો છે ગૈબ અને હાજરનો, અને તે હિકમતવાળો બાખબર છે.
(૭૪) અને યાદ કરો જ્યારે ઈબ્રાહીમે પોતાના પિતા આજર[28] ને કહ્યુ, “શું તમે મૂર્તિઓને મા'બૂદ બનાવી રહ્યા છો? હું તમને અને તમારી કોમને સ્પષ્ટ ગુમરાહીમાં જોઈ રહયો છું.”
(૭૫) અને આ રીતે અમે ઈબ્રાહીમને આકાશો અને ધરતીનું રાજય બતાવ્યુ જેથી તે સંપૂર્ણ યકીન કરનારાઓમાંથી થઈ જાય.
(૭૬) પછી જયારે તેના પર રાત્રિનો અંધકાર છવાઈ ગયો તો એક તારાને જોયો, કહ્યું કે, “આ મારો રબ છે.” પછી જયારે તે આથમી ગયો તો કહ્યું કે “હું આથમી જનારાઓને મોહબ્બત નથી કરતો.''
(૭૭) પછી જયારે ચંદ્રને ચમકતો જોયો તો કહ્યું કે, “આ મારો રબ છે”, પછી જયારે તે આથમી ગયો તો કહ્યું કે, “જો મારો રબ મને રસ્તો નહિ દેખાડે તો હું ગુમરાહોમાં થઈ જઈશ.”
(૭૮) પછી જ્યારે સૂર્યને પ્રકાશિત થતો જોયો તો કહ્યું કે, “આ મારો રબ છે, આ તો સૌથી મોટો છે”, પછી જયારે તે આથમી ગયો તો કહ્યુ કે, “બેશક હું તમારા શિર્ક્થી અલગ છું.”[29]
(૭૯) મે તો એકાગ્ર થઈને પોતાનું મોઢું તેની તરફ ફેરવી દીધુ, જેણે આકાશો અને ધરતીને પેદા કર્યા અને હું મુશરિકોમાંથી નથી.
(૮૦) અને તેના સાથે તેની કોમવાળાઓએ ઝઘડો કરવાનું શરૂ કરી દીધું[30] તેણે (હજરત ઈબ્રાહીમે) કહ્યું કે, “શું તમે અલ્લાહના બારામાં મારાથી ઝઘડો કરો છો, જયારે કે તેણે મને હિદાયત આપી છે અને હું તે વસ્તુઓથી ડરતો તથી જેને તમે અલ્લાહના સાથે સામેલ કરો છો, પરંતુ એ કે મારો રબ જ કોઈ કારણે ઈચ્છે. મારા રબે દરેક વસ્તુને પોતાના ઈલ્મના દાયરામાં ઘેરેલ છે, શું તમે પછી પણ વિચાર નથી કરતા ?
(૮૧) અને હું તે વસ્તુઓથી કેવી રીતે ડરુ જેને તમે (અલ્લાહના) ભાગીદાર બનાવી દીધા, જયારે કે તમે તેને અલ્લાહના ભાગીદાર બનાવવાથી નથી ડરતા, જેની તમારા પાસે અલ્લાહે કોઈ દલીલ નથી ઉતારી, પછી આ બંને પક્ષોમાં કોણ શાંતિનો વધારે હકદાર છે જો તમે જાણતા હોવ.
(૮૨) જે લોકો ઈમાન લાવ્યા અને પોતાના ઈમાનની કોઈ શિર્ક સાથે મિલાવટ ન કરી તેમના માટે જ શાંતિ છે અને તેઓ જ સીધા રસ્તા પર છે.[31] (ع-૯)