(૧૦) તે જ તમારા ફાયદા માટે આકાશમાંથી વર્ષા કરે છે જેને તમે પીઓ પણ છો અને તેનાથી ઉગેલો ઘાસચારો તમે પોતાના જાનવરોને ચરાવો છો.
(૧૧) આવી રીતે તે તમારા માટે ખેતી અને જૈતૂન અને ખજુર અને દ્રાક્ષ અને દરેક પ્રકારના ફળો પેદા કરે છે, બેશક ચિંતન-મનન કરનારા લોકો માટે તો આમાં ઘણી મોટી નિશાનીઓ છે.
(૧૨) અને તેણે જ રાત-દિવસ અને સૂર્ય તથા ચંદ્રને તમારી સેવામાં લગાડી રાખ્યા છે અને તારાઓ પણ તેના હુકમના આધીન છે, બેશક આમાં અકલમંદો માટે ઘણા પ્રકારની નિશાનીઓ મોજૂદ છે.
(૧૩) અને બીજી પણ (જાત જાતની) વસ્તુઓ ઘણા રંગરૂપની તેણે તમારા માટે ધરતીમાં ફેલાવી રાખી છે, બેશક નસીહત પ્રાપ્ત કરનારાઓ માટે તેમાં મોટી નિશાનીઓ છે.
(૧૪) અને સમુદ્ર પણ તેણે તમારા કાબૂમાં કરી દીધા છે કે તમે તેમાંથી નીકાળેલ તાજુ માંસ ખાઓ અને તેમાંથી પોતાને પહેરવા માટે જવેરાત કાઢી શકો, અને તમે જોશો કે નૌકાઓ તેમાં પાણી ચીરીને (ચાલે) છે અને એટલા માટે પણ કે તમે તેની કૃપાની શોધ કરો અને બની શકે કે તમે શુક્રગુજાર (કૃત) બનો.[1]
(૧૫) અને તેણે ધરતી પર પહાડ ખોસી દીધા છે જેથી તમને લઈને હલે નહિ,[1] અને નદીઓ અને રસ્તાઓ બનાવી દીધા જેથી તમે ધ્યેય સુધી પહોંચી શકો.
(૧૬) બીજી ઘણી બધી નિશાનીઓ (નક્કી કરી) અને તારાઓથી પણ લોકો રસ્તો મેળવી લે છે.
(૧૭) તો શું તે જે પેદા કરે છે અને તે જે પેદા નથી કરી શક્તો, બંને સમાન છે ? શું તમે સમજતા નથી ?
(૧૮) અને જો તમે અલ્લાહની ને'મતોનો હિસાબ કરવા ચાહો તો તમે તેને નથી કરી શકતા, બેશક અલ્લાહ ઘણો માફ કરનાર દયાળુ છે.
(૧૯) અને જે કંઈ તમે છૂપાવો અથવા જાહેર કરો, અલ્લાહ બધું જ જાણે છે.
(૨૦) અને જેમને આ લોકો અલ્લાહ (તઆલા) ના સિવાય પોકારે છે, તેઓ કોઈ વસ્તુને પેદા નથી કરી શકતા, બલ્કે તેઓને પેદા કરવામાં આવ્યા છે.
(૨૧) નિર્જીવ છે સજીવ નથી, તેમને તો એની પણ ખબર નથી કે ક્યારે ઉઠાડવામાં આવશે. (ع-૨)