(૪૫) અને બેશક અમે 'સમૂદ' તરફ તેના ભાઈ સાલેહને મોકલ્યો કે તમે બધા અલ્લાહની બંદગી કરો, પછી પણ તેઓ બે જૂથોમાં વહેંચાઈને પરસ્પર લડવા લાગ્યા.
(૪૬) (સાલેહે) કહ્યું, “હે મારી કોમના લોકો! તમે ભલાઈ પહેલા બૂરાઈ માટે ઉતાવળ શા માટે કરી રહ્યા છો ? તમે અલ્લાહ પાસે માફી કેમ નથી માંગતા ? જેથી તમારા ઉપર દયા કરવામાં આવે.”
(૪૭) (તેઓ) કહેવા લાગ્યા કે, “અમે તો તારાથી અને તારા સાથીઓથી અપશુકન લઈ રહ્યા છીએ”, (સાલેહે) જવાબ આપ્યો કે, “તમારૂ અપશુકન અલ્લાહના પાસે છે, બલ્કે તમે તો પરીક્ષામાં પડેલા લોકો છો.”
(૪૮) તે શહેરમાં નવ વ્યક્તિ (આગેવાન) હતા જે ધરતી પર ફસાદ ફેલાવી રહ્યા હતા અને સુધાર કરતા ન હતા.
(૪૯) તેમણે પરસ્પર અલ્લાહની કસમ ખાઈને પ્રતિજ્ઞા લીધી કે રાત્રે જ સાલેહ અને તેના પરિવારના લોકો ઉપર છાપો મારીશું, અને તેના વારસદારને કહી દઈશું કે અમે તેના પરિવારના કતલ સમયે હાજર ન હતા, અને અમે સાચું બોલી રહ્યા છીએ.
(૫૦) અને તેમણે ચાલ રમી અને અમે પણ, અને તેઓ તેને સમજતા જ ન હતા.
(૫૧) હવે જોઈ લો કે તેમના કાવતરાનું પરિણામ શું આવ્યું ? અમે તેમને અને તેમની કોમના તમામને બરબાદ કરી દીધા.
(૫૨) આ છે તેમના ઘરો જે તેમના જુલમના કારણે વેરાન પડ્યા છે, જે લોકો ઈલ્મ ધરાવે છે તેમના માટે આમાં મોટી નિશાની છે.
(૫૩) અને અમે તેમને બચાવી લીધા જેઓ ઈમાન લાવ્યા હતા અને નેક કામ કરતા હતા.
(૫૪) અને લૂતની (ચર્ચા કરો) જ્યારે કે તેણે પોતાની કોમને કહ્યું કે, “તમે જાણતા હોવા છતાં પણ કુકર્મ (બદકારી) કરી રહ્યા છો?
(૫૫) આ શું વાત છે ? કે તમે સ્ત્રીઓને છોડી પુરૂષો પાસે કામવાસના માટે જાઓ છો ? હકીકત એ છે કે તમે ભારે અજ્ઞાનતા કરી રહ્યા છો.”
(૫૬) તેમની કોમનો જવાબ એ કહેવા સિવાય બીજો કંઈ ન હતો કે લૂતના પરિવારવાળાઓને આપણા શહેરમાંથી કાઢી મૂકો, આ લોકો તો મોટી પવિત્રતા દેખાડી રહ્યા છે.
(૫૭) અને અમે તેને અને તેના પરિવારને, તેની પત્ની સિવાય બધાને બચાવી લીધા, તેનો અંદાજો તો બાકી રહી જનારાઓમાં અમે લગાવી ચૂક્યા હતા.
(૫૮) અને તેમના ઉપર એક (ખાસ પ્રકારનો) વરસાદ વરસાવ્યો[1] છેવટે તે ડરાવવામાં આવેલા લોકો પર ખરાબ વરસાદ થયો. (ع-૪)