(૭૧) અને કાફિરોના ટોળેટોળાં જહન્નમ તરફ હંકારવામાં આવશે.[1] જ્યારે તેઓ તેના નજીક પહોંચી જશે, તેના દરવાજા તેમના માટે ખોલી દેવામાં આવશે અને ત્યાંના રક્ષકો તેમને પૂછશે કે શું તમારા પાસે તમારામાંથી રસૂલ આવ્યા ન હતા જે તમારા પર તમારા રબની આયતો પઢતા હોય અને તમને આ દિવસની મુલાકાતથી સાવધાન કરતા હોય ? ” આ લોકો જવાબ આપશે કે, “હા, કેમ નહિ.” પરંતુ અઝાબનો હુકમ કાફિરો પર સાબિત થઈ ગયો.
(૭૨) કહેવામાં આવશે કે હવે જહન્નમના દરવાજાઓમાં દાખલ થઈ જાઓ, જ્યાં તેઓ હંમેશા રહેશે. બસ, નાફરમાનોનું ઠેકાણું ખૂબ જ ખરાબ છે.
(૭૩) અને જે લોકો પોતાના રબથી ડરતા હતા તેમના ટોળેટોળાં જન્નત તરફ મોકલી દેવામાં આવશે, ત્યાં સુધી કે જ્યારે તેની નજીક આવી જશે અને દરવાજા ખોલી નાખવામાં આવશે,[1] અને ત્યાંના રક્ષક તેમને કહેશે કે, “તમારા પર સલામ, તમે ખુશ રહો! બસ તમે આમાં હંમેશાના માટે દાખલ થઈ જાઓ.”
(૭૪) અને આ લોકો કહેશે કે “અલ્લાહનો આભાર છે જેણે પોતાનો વાયદો પૂરો કર્યો અને અમને આ ધરતીના વારસદાર બનાવ્યા કે જન્નતમાં જયાં ચાહો રહો.” તો નેકી કરનારાઓ માટે કેવો સર્વશ્રેઠ બદલો છે.
(૭૫) અને તમે ફરિશ્તાઓને અલ્લાહના અર્શના ચારે બાજુ ઘેરો બનાવેલા પોતાના રબની પ્રશંસા અને મહિમાગાન કરતા જોશો,[1] અને લોકોમાં ન્યાયપૂર્વક ફેંસલો કરવામાં આવશે અને કહી દેવામાં આવશે કે તમામ પ્રશંસા અલ્લાહ માટે જ છે જે સમગ્ર સૃષ્ટિનો પાલનહાર છે. (ع-૮)