(૫૧) અને રણશિંગુ ફૂંકાતા જ તમામ લોકો પોતપોતાની કબરોમાંથી પોતાના રબ તરફ (ઝડપથી) ચાલવા લાગશે.
(૫૨) કહેશે કે,“હાય ! અમને અમારી આરામગાહોમાંથી કોણે ઉઠાડી દીધા ?[1] આ જ છે જેનો વાયદો કૃપાળુ અલ્લાહે કર્યો હતો અને રસૂલોએ સાચું કહી દીધુ હતું.”
(૫૩) આ કંઈ નહિ પરંતુ એક પ્રચંડ અવાજ થશે કે અચાનક બધાજ મનુષ્યો જમા થઈને અમારા સમક્ષ હાજર કરી દેવામાં આવશે.
(૫૪) તો આજે કોઈ મનુષ્ય ઉપર જરા પણ જુલમ કરવામાં નહિ આવે, અને તમને તે જ કર્મોનો બદલો આપવામાં આવશે જેને તમે કર્યા કરતા હતા.
(૫૫) બેશક જન્નતવાળા લોકો આજના દિવસે પોતાના (મનોરંજનના) કામોમાં વ્યસ્ત, ખુશ અને આનંદિત હશે.
(૫૬) તેઓ અને તેમની પત્નીઓ ઘટાદાર છાયડાંઓમાં આસનો ઉપર તકિયા લગાવી બેઠા હશે.
(૫૭) તેમના માટે જન્નતમાં દરેક પ્રકારના મેવા હશે અને બીજુ પણ જે કંઈ તેઓ માંગશે.
(૫૮) રહમ કરવાવાળા રબ તરફથી તેમને 'સલામ' કહેવામાં આવશે.[1]
(૫૯) અને હે મુજરિમો! આજે તમે અલગ થઈ જાઓ.
(૬૦) હે આદમની સંતાન ! શું મેં તમારા પાસે વચન લીધું ન હતું કે તમે શેતાનની બંદગી ન કરતા, એ તો તમારો ખુલ્લો દુશ્મન છે ?
(૬૧) અને મારી જ બંદગી કરજો , સીધો માર્ગ આ જ છે.
(૬૨) અને શેતાને તો તમારામાંથી મોટાભાગના જૂથોને બહેકાવી દીધા, શું તમે બુદ્ધિ ધરાવતા નથી ?[1]
(૬૩) આ તે જ જહન્નમ છે જેનો તમને વાયદો કરવામાં આવતો હતો.
(૬૪) પોતાના કુફ્રનો બદલો મેળવવા માટે આજે તેમાં દાખલ થઈ જાઓ.
(૬૫) અમે આજના દિવસે આમના મોઢાં પર મહોર લગાવી દઈશું અને આમના હાથ અમારા સાથે વાતો કરશે, અને આમના પગ ગવાહી આપશે, આમના કાર્યોની જેને તેઓ કરતા હતા.[1]
(૬૬) અને જો અમે ચાહતા તો આમની આંખો આંધળી કરી દેતા, પછી આ લોકો રસ્તા તરફ ભાગદોડ કરતા પરંતુ એમને કેવી રીતે દેખાતું ?
(૬૭) અને જો અમે ચાહતા તો આમની જગ્યા ઉપર જ આમના ચેહરા વિકૃત કરી દેતા, પછી ન તેઓ હરી-ફરી શકતા અને ન પાછા જઈ શકતા. (ع-૪)