અલ્લાહના નામથી શરૂ કરુ છું જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
(૧) આકાશો અને ધરતીની દરેક વસ્તુ અલ્લાહની પવિત્રતાનું વર્ણન કરે છે અને તે જ પ્રભુત્વશાળી અને હિકમતવાળો છે.
(૨) હે ઈમાનવાળાઓ! તમે તે વાત કેમ કહો છો જે કરતા નથી ?
(૩) તમે જે કરતા નથી તેનું કહેવું અલ્લાહને નાપસંદ છે.
(૪) બેશક અલ્લાહ (તઆલા) તે લોકોને પસંદ કરે છે જેઓ તેના માર્ગમાં કરતાબદ્ધ થઈને જિહાદ કરે છે, જાણે કે તેઓ શીશુ પીવડાવેલ ઈમારત હોય.
(૫) અને (યાદ કરો) જ્યારે મૂસાએ પોતાના સમુદાય (કોમ)ને કહ્યું કે, “હે મારી કોમના લોકો! તમે મને કેમ સતાવી રહ્યા છો ? જ્યારે કે તમને સારી રીતે ખબર છે કે હું તમારા તરફ અલ્લાહનો રસૂલ છું”[1] તો જ્યારે તે લોકો વાંકા જ રહ્યા તો અલ્લાહે તેમના દિલોને વધુ વાંકા કરી દીધા અને અલ્લાહ (તઆલા) નાફરમાન કોમને માર્ગદર્શન નથી આપતો.
(૬) અને જ્યારે મરયમના પુત્ર ઈસા એ કહ્યું કે, “હે (મારી કોમ) ઈસરાઈલની સંતાન ! હું તમારા બધા તરફ અલ્લાહનો રસૂલ છું. મારાથી પહેલાની કિતાબ તૌરાતનું સમર્થન કરનાર છું[1] અને મારા પછી આવવાવાળા એક રસૂલની ખુશખબર સંભળાવનાર છું જેમનું નામ અહમદ છે,[2] પછી જ્યારે તે તેમના સામે સ્પષ્ટ નિશાનીઓ લાવ્યા તો કહેવા લાગ્યા કે, “આ તો ખુલ્લો જાદુ છે.”
(૭) અને તે વ્યક્તિથી વધુ જાલિમ કોણ હશે જે અલ્લાહ (તઆલા) પર જૂઠો આરોપ ઘડે ? જ્યારે કે તે ઈસ્લામની તરફ બોલાવવામાં આવતો હોય અને અલ્લાહ એવા જાલિમોને માર્ગદર્શન નથી આપતો.
(૮) તેઓ ચાહે છે કે અલ્લાહના નૂર (પ્રકાશ)ને પોતાની ફૂંકોથી ઓલવી નાંખે,[1] અને અલ્લાહ પોતાના પ્રકાશ (નૂર)ને ઊંચા પદો સુધી લઈ જવાવાળો છે, ભલેને કાફિરો બૂરુ માને.
(૯) તે જ છે જેણે પોતાના રસૂલને માર્ગદર્શન (હિદાયત) અને સાચો ધર્મ આપીને મોકલ્યા. જેથી તેને બીજા ધર્મો પર પ્રભાવશાળી (વિજયી) કરી દે, ભલે ને મૂર્તિપૂજકો નારાજ થાય. (ع-૧)