(૧૨) અને અલ્લાહે ઈસરાઈલની સંતાનથી વચન લીધું અને તેમનામાંથી બાર સરદારો અમે નક્કી કર્યા,[19] અને અલ્લાહ (તઆલા)એ ફરમાવી દીધું, “હું બેશક તમારા સાથે છું, જો તમે નમાઝ કાયમ કરશો, અને ઝકાત આપતા રહેશો, અને મારા રસૂલોને માનતા રહેશો અને તેમની મદદ કરતા રહેશો અને અલ્લાહને બહેતર કરજ આપતા રહેશો, તો બેશક હું તમારી બૂરાઈઓ તમારાથી દૂર કરીશ અને તમને તે જન્નતોમાં લઈ જઈશ જેની નીચે નહેરો વહી રહી છે, હવે આ વચન પછી પણ તમારામાંથી જે ઈન્કાર કરે તે બેશક સીધા માર્ગથી ભટકી ગયો.”
(૧૩) પછી તેમના વચન તોડવાના કારણે અમે તેમના ૫૨ લા’નત કરી અને તેમના દિલ સખત કરી દીધા કે તેઓ શબ્દોને તેની જગ્યાએથી બદલી નાખે છે,[20] અને જે કંઈ શીખામણ તેમને આપવામાં આવી તેનો વધારે પડતો હિસ્સો ભૂલાવી બેઠા, તેમની એક ને એક ખયાનતની ખબર તમને મળતી જ રહેશે, પરંતુ થોડાક (લોકો) એવા પણ નથી, પછી પણ તેમને માફ કરતા જાઓ અને માફ કરતા જાઓ, બેશક અલ્લાહ (તઆલા) અહેસાન કરવાવાળાઓને દોસ્ત રાખે છે.
(૧૪) અને જેઓ પોતે પોતાને ઈસાઈ કહે છે, અમે તેમનાથી (પણ) વચન લીધું હતું, તેમણે પણ તેનો વધારે પડતો હિસ્સો ભૂલાવી દીધો, જેની તેમને તાલીમ આપવામાં આવી હતી તો અમે પણ તેમની વચ્ચે દુશ્મની અને નફરત નાખી દીધી જે કયામત સુધી રહેશે.[21] અને જે કંઈ તેઓ કરે છે જલ્દીથી અલ્લાહ (તઆલા) તેમને બધુ બતાવી દેશે.
(૧૫)અય કિતાબવાળાઓ! તમારી પાસે અમારા રસૂલ (મોહંમદ (ﷺ)) આવી ગયા જે એવી ઘણી વાતો બતાવી રહ્યા છે જે કિતાબ (તૌરાત અને ઈન્જીલ)ની વાતો તમે છૂપાવી રહ્યા હતા અને ઘણી વાતોને છોડી રહ્યા હતા,[22] તમારા પાસે અલ્લાહ તરફથી નૂર અને સ્પષ્ટ કિતાબ (પવિત્ર કુરઆન) આવી ચૂકી છે.[23]
(૧૬) જેના વડે અલ્લાહ તેમને સલામતીનો રસ્તો દેખાડે છે જે તેનું ખુશીથી અનુસરણ કરે અને તેમને અંધકારમાંથી પોતાની રહમતથી પ્રકાશ તરફ લાવે છે અને તેમને સીધો રસ્તો દેખાડે છે.
(૧૭) બેશક તે લોકો કાફિર થઈ ગયા જેમણે કહ્યું કે મરયમનો પુત્ર મસીહ જ અલ્લાહ છે. કહી દો કે જો મરયમનો પુત્ર મસીહ અને તેની માતા અને દુનિયાના બધા લોકોને તે હલાક (નષ્ટ) કરવા ઈચ્છે તો કોણ છે જેનો અલ્લાહના સામે થોડો પણ અધિકાર હોય ? અને આકાશો અને ધરતી અને જે બંનેની વચ્ચે છે અલ્લાહનું જ રાજ્ય છે અને અલ્લાહ દરેક વસ્તુ પર શક્તિમાન છે.
(૧૮) અને યહૂદી અને ઈસાઈ કહે છે કે અમે અલ્લાહના પુત્રો અને દોસ્ત છીએ.[24] તમે કહી દો કે પછી અલ્લાહ (તઆલા) તમારા ગુનાહોને કારણે તમને કેમ સજા આપે છે? નહિ બલ્કે તમે તેની સૃષ્ટિમાં એક મનુષ્ય છો. તે જેને ઈચ્છે છે માફ કરે છે અને જેને ઈચ્છે છે સજા આપે છે અને અલ્લાહ (તઆલા)ની માલિકી આકાશો અને ધરતી પર અને તેમની વચ્ચે જે કંઈ છે તે દરેક વસ્તુ પર છે અને તેના તરફ પાછા ફરવાનું છે.
(૧૯) અય કિતાબવાળાઓ! રસૂલોના આવવામાં એક થોડા વિલંબ પછી અમારા રસૂલ (મોહમંદ (ﷺ)) આવી ચૂકયા છે જે તમારા માટે (ધર્મ વિધાનો) વર્ણન કરી રહ્યા છે જેથી તમે એમ ન કહો કે અમારા પાસે કોઈ ખુશખબર આપવાવાળા અને ખબરદાર કરવાવાળા આવ્યા ન હતા, તો તમારા પાસે એક ખુશખબર આપવાવાળા અને ખબરદાર કરવાવાળા (અંતિમ રસૂલ) આવી ગયા છે,[25] બેશક અલ્લાહ દરેક વસ્તુ ૫૨ શક્તિમાન છે. (ع-૩)