(૪૪) અને તૌરાત ઉતારી છે જેમાં હિદાયત અને નૂર છે, યહૂદિઓમાં આ તૌરાતના જરીએ અલ્લાહને માનવાવાળા,[40] અંબિયા (અ.સ.) અને અલ્લાહવાળાઓ અને આલિમો ફેંસલો કર્યા કરતા હતા, કેમકે તેમને અલ્લાહની આ કિતાબની સુરક્ષાનો હુકમ આપવામાં આવ્યો હતો, અને તેઓ તેના ૫૨ કબૂલ કરવાવાળા ગવાહ હતા, હવે તમને જોઈએ કે લોકોથી ના ડરો, બલ્કે મારાથી ડરો, મારી આયતોને થોડા-થોડા મૂલ્યો પર ન વેચો અને જે અલ્લાહની ઉતારેલી વહીના આધારે ફેંસલો ન કરે તે સંપૂર્ણ કાફિર છે.
(૪૫) અને અમે (તૌરાતમાં) યહૂદિઓના હકમાં એ વાત નક્કી કરી દીધી છે કે જીવના બદલે જીવ અને આંખના બદલે આંખ, અને નાકના બદલે નાક, અને કાનના બદલે કાન તથા દાંતના બદલે દાંત અને ખાસ જખમોનો પણ બદલો છે, પછી જે વ્યક્તિ તેને માફ કરી દે તો તે તેના માટે પ્રાયશ્ચિત છે અને જે લોકો અલ્લાહના હુકમો મુજબ ફેંસલો ન કરે, તે લોકો જાલિમ છે.
(૪૬) અને અમે તેમની પાછળ ઈસા ઈબ્ને મરયમને મોકલ્યા, જે પોતાનાથી પહેલાની કિતાબ એટલે કે તૌરાતનું સમર્થન કરવાવાળા હતા, અને અમે તેમને ઈન્જીલ પ્રદાન કરી, જેમાં નૂર અને હિદાયત હતી, અને તે પોતાનાથી પહેલાની કિતાબ તૌરાતનું સમર્થન કરતી હતી અને તે સ્પષ્ટ હિદાયત અને તાલીમ હતી, અલ્લાહ (તઆલા)થી ડરનારાઓ માટે.
(૪૭) અને ઈન્જીલવાળાઓને પણ જોઈએ કે અલ્લાહ (તઆલા)એ જે કંઈ ઈન્જીલમાં ઉતાર્યું છે તેના મુજબ ફેંસલો કરે,[41] અને જેઓ અલ્લાહ (તઆલા)ના ઉતારેલ કાનૂન મુજબ ફેંસલો ન કરે તેઓ ફાસિક છે.
(૪૮) અને અમે તમારી તરફ સચ્ચાઈથી ભરેલ આ કિતાબ ઉતારી છે, જે પોતાનાથી પહેલાની બધી કિતાબોનું સમર્થન કરે છે અને તેની સંરક્ષક છે એટલા માટે તમે તેમની વચ્ચે અલ્લાહની ઉતારેલ કિતાબ મુજબ ફેંસલો કરો, આ સચ્ચાઈથી હટીને તેમની તમન્નાઓ પર ન જશો, તમારામાંથી દરેક માટે અમે એક શરીઅત અને રસ્તો નક્કી કરી દીધો છે,[42] જો અલ્લાહ ચાહત તો તમને બધાને એક જ ઉમ્મત બનાવી દેત, પરંતુ તે ચાહે છે કે જે તમને આપ્યુ છે, તેમાં તમારી પરીક્ષા લે, તો તમે નેકીની તરફ જલ્દી કરો, તમારે બધાએ અલ્લાહ તરફ પાછા ફરવાનું છે, પછી તે તમને તે દરેક વસ્તુ બતાવી દેશે જેમાં તમે મતભેદ રાખો છો.
(૪૯) અને તમે તેમના ઝઘડામાં અલ્લાહની ઉતારેલી વહીના અનુસાર ફેંસલો કરો, તેમની ઈચ્છાઓનું અનુસરણ કરતા નહિ, અને તેમનાથી હોંશિયાર રહેજો કે તેઓ તમને અલ્લાહના ઉતારેલા કોઈ હુકમથી અહીં-તહીં ના કરી દે, જો તેઓ મોઢું ફેરવી લે તો યકીન કરો કે અલ્લાહનો આ જ ઈરાદો છે કે તેમને તેમના કેટલાક ગુનાહોની સજા આપી જ દે અને મોટાભાગના લોકો નાફરમાન હોય છે.
(૫૦) શું આ લોકો ફરીથી અજ્ઞાનતાનો ફેંસલો ઈચ્છે છે ? અને યકીન રાખવાવાળાઓના માટે અલ્લાહ (તઆલા)થી બહેતર ફેંસલો કરવાવાળો અને હુકમ કરવાવાળો કોણ હોઈ શકે છે. (ع-૭)