અલ્લાહના નામથી શરૂ કરુ છું જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
(૧) અત્યંત બરકતવાળો છે તે (અલ્લાહ) જેણે પોતાના બંદા ઉપર ફુરકાન[1] ઉતાર્યુ જેથી તે તમામ લોકોના માટે[2] સચેત કરનાર બની જાય.
(૨) તે અલ્લાહનું જ રાજ્ય છે આકાશો અને ધરતી પર, અને તે કોઈ સંતાન નથી ધરાવતો, ન તેના રાજ્યમાં તેનો કોઈ ભાગીદાર છે, અને પ્રત્યેક વસ્તુને તેણે પેદા કરીને એક નિર્ધારિત રૂપ આપી દીધું છે.
(૩) અને તે લોકોએ અલ્લાહ સિવાય જેમને પોતાના મા'બૂદ બનાવી રાખ્યા છે. તેઓ કોઈ વસ્તુને પેદા નથી કરી શકતા બલ્કે તેઓ પોતે (કોઈના વડે) પેદા કરવામાં આવે છે. તેઓ પોતે પોતાના નફા અને નુકસાનનો અધિકાર નથી ધરાવતા અને ન જિંદગી અને મોતનો, અને ન ફરીથી જીવી ઉઠવાનો અધિકાર ધરાવે છે.
(૪) અને કાફિરોએ કહ્યું કે, “આ તો માત્ર તેનું પોતાનું ઘડેલું જૂઠ છે જેના પર બીજા લોકોએ પણ તેની મદદ કરી છે,”[1] હકીકતમાં આ કાફિરો મોટા જાલિમ અને નર્યા જૂઠ લાવનારા બન્યા છે.
(૫) અને એમ પણ કહ્યું કે, “આ તો પહેલાનાઓના કાલ્પનિક કિસ્સાઓ છે જે તેણે લખી રાખ્યા છે, બસ તે જ સવાર-સાંજ તેના સામે પઢવામાં આવે છે.”
(૬) કહી દો, “આને તો તે અલ્લાહે ઉતાર્યુ છે જે આકાશો અને ધરતીની તમામ છૂપી વાતો જાણે છે, બેશક તે મોટો માફ કરવાવાળો અને દયાળુ છે.”
(૭) અને તેઓએ કહ્યું કે, “આ કેવો રસૂલ છે જે ભોજન લે છે અને બજારોમાં હરે ફરે છે ? તેના પાસે કોઈ ફરિશ્તો કેમ નથી મોકલવામાં આવ્યો કે તેના સાથે થઈને ડરાવનાર બની જતો ?
(૮) અથવા તેના પાસે કોઈ ખજાનો જ ઉતારી દેવામાં આવતો, અથવા તેનો કોઈ બાગ હોત જેમાંથી તે ખાતો, અને જાલિમોએ કહ્યું કે, “તમે તો એવા માણસ પાછળ થઈ લાગ્યા છો જેના પર જાદૂ કરી દેવામાં આવ્યું છે.”
(૯) જરા વિચારો! આ લોકો તમારા વિશે કેવી કેવી વાતો કરે છે કે જેનાથી જાતે જ ભટકી રહ્યા છે, અને કોઈ પણ રીતે માર્ગ પર નથી આવી શકતા. (ع-૧)