(૭૭) અને અમે મૂસા ઉપર વહી મોકલી કે રાતોરાત મારા બંદાઓને લઈને ચાલી નીકળ, અને તેમના માટે સમુદ્રમાંથી સૂકો રસ્તો બનાવી લે, પછી તને કોઈના આવી પકડવાનો ન કોઈ ભય હશે અને ન કોઈ ડર.
(૭૮) ફિરઔને પોતાના લશ્કર સાથે તેમનો પીછો કર્યો, પછી તો સમુદ્ર તે બધા ઉપર છવાઈ ગયો જેવી રીતે છવાઈ જવાનો હતો.
(૭૯) અને ફિરઔને પોતાની કોમને ભટકાવમાં નાખી દીધી અને સીધો માર્ગ ન બતાવ્યો.
(૮૦) હે ઈસરાઈલના પુત્રો! (જુઓ) અમે તમને તમારા દુશ્મનથી મુક્તિ અપાવી અને તમને તૂર પહાડની જમણી તરફનો વાયદો આપ્યો અને તમારા ઉપર મન્ન અને સલ્વા ઉતાર્યા.[1]
(૮૧) તમે અમારી પ્રદાન કરેલી પવિત્ર રોજી ખાઓ અને તેમાં હદથી આગળ ન વધો, નહિતર તમારા ઉપર મારો અઝાબ ઉતરશે, અને જેના ઉપર મારો અઝાબ ઉતરશે, તેનો બેશક વિનાશ થશે.
(૮૨) અને બેશક હું તેમને માફ કરી દેવાનો છું જે માફી માંગે, ઈમાન લાવે, નેક કામો કરે અને સીધા માર્ગ ઉપર પણ રહે.[1]
(૮૩) અને હે મૂસા ! તને પોતાની કોમથી (ગાફેલ કરીને) કઈ વાત જલ્દી લઈ આવી ?
(૮૪) કહ્યું, “તે લોકો પણ મારા પાછળ જ છે, અને હે રબ! મેં તારા તરફ જલ્દી એટલા માટે કરી કે તું રાજી થઈ જાય.”
(૮૫) ફરમાવ્યું, “અમે તારી કોમને તારા પાછળ અજમાયશમાં નાખી દીધી, અને તેમને “સામરી” એ ભટકાવી દીધી[1]"
(૮૬) તો મૂસા સખત ગુસ્સામાં અને ગમગીન થઈ પાછા ફર્યા, અને કહેવા લાગ્યા કે, “હે મારી કોમના લોકો! શું તમારા સાથે તમારા રબે સારો વાયદો કર્યો ન હતો ? શું તેની મુદ્દત તમને લાંબી માલુમ પડી? કે તમારો ઈરાદો જ એ છે કે તમારા ઉપર તમાર રબનો અઝાબ ઉતરે, એટલા માટે તમે મારા વાયદાને તોડી નાખ્યો ?”
(૮૭) (તેમણે) જવાબ આપ્યો કે, “અમે અમારી મરજીથી તમારા સાથેનો વાયદો નથી તોડ્યો, બલકે અમારા પર કોમના જે ઘરેણાં લાદી દેવામાં આવ્યા હતા તેને અમે નાખી દીધા અને આવી જ રીતે 'સામરી' એ પણ નાખી દીધા.”
(૮૮) પછી લોકોના માટે એક વાછરડો કાઢી લાવ્યો, એટલે કે વાછરડાની મૂર્તિ જેની ગાય જેવી અવાજ હતી, પછી કહેવા લાગ્યા કે, “આ તમારો પણ મા'બૂદ છે અને મૂસાનો પણ, પરંતુ મૂસા ભૂલી ગયો છે.”
(૮૯) આ ભટકેલા લોકો એ પણ નથી જોતા કે તે તો તેમની વાતનો જવાબ પણ નથી આપી શક્તો અને ન તેમના કોઈ ભલા બૂરાનો અધિકાર રાખે છે.[1] (ع-૪)