અલ્લાહના નામથી શરૂ કરુ છું જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
(૧) અલિફ. લામ. મીમ.
(૨) રોમન પરાજિત થઈ ગયા.
(૩) નજીકની ધરતી પર અને તેઓ પરાજિત થયા પછી નજીકના ભવિષ્યમાં વિજયી થઈ જશે.
(૪) થોડા જ વર્ષોમાં, આના પહેલા અને આના પછી પણ અલ્લાહનો જ અધિકાર છે, અને તે દિવસે મુસલમાનો રાજી હશે.
(૫) અલ્લાહ (તઆલા)ની મદદથી,[1] તે જેની ચાહે છે મદદ કરે છે અને તે જ પ્રભુત્વશાળી અને દયાળુ છે.
(૬) અલ્લાહનો વાયદો છે, અલ્લાહ (તઆલા) પોતાના વાયદાનો ભંગ કરતો નથી, પરંતુ ઘણાખરાં લોકો જાણતા નથી.
(૭) લોકો તો (ફક્ત) દુનિયાની જિંદગીના બાહ્ય સ્વરૂપને જાણે છે અને આખિરતથી તો બિલકુલ બેખબર છે.
(૮) શું તે લોકોએ પોતાના મનમાં એ વિચાર નથી કર્યો કે અલ્લાહ (તઆલા) એ આકાશો અને ધરતી અને તેમના વચ્ચે જે કંઈ છે તે બધાને બહેતર અનુમાનથી[1] નિશ્ચિત સમય માટે જ પેદા કર્યા છે ? હાં, પરંતુ મોટાભાગના લોકો પોતાના રબની મુલાકાતનો ઈન્કાર કરે છે.
(૯) શું તેમણે ધરતી પર હરીફરીને નથી જોયું કે તેમનાથી પહેલાના લોકોનું પરિણામ કેવું આવ્યું ? તેઓ તેમનાથી વધારે શક્તિશાળી હતા, અને તેમણે પણ ધરતી પર ખેતીવાડી કરી હતી અને તેમનાથી વધારે વસ્તી આબાદ કરી હતી. તેમના પાસે તેમના રસૂલ ચમત્કાર લઈને આવ્યા હતા, એ તો અશક્ય હતું કે અલ્લાહ તેમના ઉપર જુલમ કરતો, પરંતુ (હકીકતમાં) તેઓ પોતે જ પોતાના ઉપર જુલમ કરતા હતા.
(૧૦) છેવટે બૂરા લોકોનો અંજામ પણ બૂરો આવ્યો, કેમ કે તેઓ અલ્લાહની આયતોને ખોટી ઠેરવતા હતા અને તેનો મજાક ઉડાવતા હતા. (ع-૧)