અલ્લાહના નામથી શરૂ કરુ છું જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
(૧) અલિફ. લામ. મીમ.
(૨) આ હિકમતવાળી કિતાબની આયતો છે.
(૩) જે પરહેઝગારો માટે માર્ગદર્શન અને કૃપા છે.
(૪) જેઓ પાબંદીથી નમાઝ પઢે છે અને ઝકાત આપે છે અને આખિરત પર વિશ્વાસ રાખે છે.[1]
(૫) તેઓજ પોતાના રબ તરફથી હિદાયત પર છે અને તેઓજ સફળતા પ્રાપ્ત કરવાવાળા છે.
(૬) અને કેટલાક લોકો એવા પણ છે જે અનાયાસે (લગ્વ) વાતોમાં લાગી જાય છે જેથી અજ્ઞાનતા સાથે લોકોને અલ્લાહના માર્ગથી ભટકાવે અને તેને મજાક બનાવે,[1] આ જ તે લોકો છે જેમના માટે અપમાનિત કરનાર અઝાબ છે.
(૭) અને જ્યારે તેના સામે અમારી આયતોનું પઠન કરવામાં આવે છે ત્યારે ઘમંડ સાથે એવી રીતે મોઢું ફેરવી લે છે, જાણે કે તેણે સાંભળ્યું જ નથી. જાણે કે તેના કાન બહેરા છે,[1] તમે તેને સખત સજાની ખબર આપી દો.
(૮) બેશક જે લોકોએ ઈમાન કબૂલ કર્યુ અને કામ પણ નેક (સુન્નત મુજબ) કર્યા, તેમના માટે ને'મતોવાળી જન્નત છે.
(૯) જેમાં તેઓ હંમેશા રહેશે, અલ્લાહનો વાયદો સાચો છે, તે પ્રભુત્વશાળી અને સંપૂર્ણ હિકમતવાળો છે.
(૧૦) તેણે જ આકાશોને સ્તંભ વગર બનાવ્યા છે, તમે તેને જોઈ રહ્યા છો અને તેણે ધરતી પર પર્વતો જમાવી દીધા જેથી તે તમને હલાવી ન શકે, અને દરેક પ્રકારના જીવોને ધરતી પર ફેલાવી દીધા અને તેણે આકાશમાંથી પાણી વરસાવીને ધરતીમાંથી દરેક પ્રકારના સુંદર જોડા ઉગાડ્યા.[1]
(૧૧) આ છે અલ્લાહની સૃષ્ટિ, હવે તમે મને આના સિવાય બીજા કોઈની સૃષ્ટિ હોય તો બતાવો, (કશું નહિ) આ જાલિમો સ્પષ્ટ ગુમરાહીમાં છે. (ع-૧)