(૧૫) અને અમે બેશક દાઉદ અને સુલેમાનને ઈલ્મ આપી રાખ્યુ હતુ અને બંનેએ કહ્યું, “તમામ પ્રશંસા તે અલ્લાહના માટે છે જેણે અમને પોતાના ઘણા ઈમાનવાળા બંદાઓ ઉપર શ્રેષ્ઠતા આપી.”
(૧૬) અને દાઉદના વારસદાર સુલેમાન થયા,[1] અને કહેવા લાગ્યા કે, “હે લોકો! અમને પક્ષીઓની ભાષા શિખવાડવામાં આવી છે અને અમને દરેક પ્રકારની વસ્તુઓ આપી દેવામાં આવી છે, અને બેશક આ મોટો અને સ્પષ્ટ (અલ્લાહનો) ઉપકાર છે.”
(૧૭) અને સુલેમાનના સામે તેમની તમામ સેના જિન્નાતો, મનુષ્યો અને પક્ષીઓને જમા કરવામાં આવ્યા.[1] (દરેક પ્રકારના) અલગ અલગ ઊભા કરી દીધા.
(૧૮) જ્યારે તે કીડીઓના મેદાનમાં પહોંચ્યા તો એક કીડીએ કહ્યું, “હે કીડીઓ! પોતપોતાના દરોમાં ઘૂસી જાઓ, (એવું ન બને કે) અજાણતામાં સુલેમાન અને તેની સેના તમને કચડી નાખે.”
(૧૯) તેની આ વાત પર (હજરત સુલેમાન) હસી પડ્યા અને દુઆ કરવા લાગ્યા કે, “હે રબ! તું મને સદ્.બુદ્ધિ (તૌફીક) આપ કે હું તારા આ ઉપકારો બદલ આભાર માનું જેને તેં મારા પર કર્યા છે, અને મારા માતા-પિતા પર, અને હું એવા નેક કામ કરું જેનાથી તું રાજી રહે, અને મને પોતાની રહેમત (કૃપા) થી પોતાના નેક બંદાઓમાં સામેલ કરી લે.
(૨૦) અને સુલેમાને પક્ષીઓનું નિરીક્ષણ કર્યુ અને કહેવા લાગ્યા કે, “શું વાત છે કે હું હુદ-હુદ ને નથી જોઈ રહ્યો ? શું ખરેખર તે હાજર નથી ?
(૨૧) બેશક હું તેને ભારે સજા કરીશ, અથવા તેને ઝબેહ કરી નાખીશ અથવા મારા સામે કોઈ યોગ્ય કારણ બતાવે.”
(૨૨) કંઈ વધારે સમય પસાર થયો ન હતો કે (આવીને) તેણે કહ્યુ કે, “હું એવી વસ્તુની ખબર લાવ્યો છું કે જેની આપને ખબર જ નથી, હું સબા[1] ની એક સાચી ખબર તમારા પાસે લાવ્યો છું.”
(૨૩) મેં ત્યાં જોયું કે તેમના ઉપર એક સ્ત્રી શાસન કરી રહી છે, જેને દરેક પ્રકારની વસ્તુથી કંઈને કંઈ પ્રદાન કરેલ છે અને તેનું સિંહાસન પણ ઘણું ભવ્ય છે.
(૨૪) મેં તેને અને તેની કોમને અલ્લાહને છોડી સૂર્યને સિજદો કરતા જોયા, શેતાને તેમના કાર્યોને શોભાસ્પદ બનાવીને દેખાડ્યા અને સાચા માર્ગથી રોકી દીધા છે, આ કારણે તેઓ હિદાયત પર નથી આવતા.
(૨૫) કે ફક્ત તે જ અલ્લાહને સિજદો કરે છે જે આકાશો અને ધરતીની છૂપી વસ્તુઓને બહાર કાઢે છે, અને જે કંઈ તમે છુપાવી રાખો છો અને જાહેર કરો છો તે બધું જ જાણે છે.
(૨૬) (એટલે કે) અલ્લાહ! જેના સિવાય કોઈ બંદગીના લાયક નથી, તે જ વિશાળ અર્શનો માલિક છે. {સિજદો-૯}
(૨૭) (સુલેમાને) કહ્યું કે, “હવે અમે જોઈશું કે તેં સાચુ કહ્યું કે તું જૂઠો છે.
(૨૮) મારો આ કાગળ લઈ જા અને તેમને આપી દે, પછી તેમના પાસેથી અલગ રહીને જો કે તેઓ શું જવાબ આપે છે.”
(૨૯) તે કહેવા લાગી, “હે દરબારીઓ! મારા તરફ એક અગત્યનો કાગળ મોકલવામાં આવ્યો છે.
(૩૦) તે સુલેમાન તરફથી છે, અને અત્યંત કૃપાળુ અને દયાળુ અલ્લાહના નામથી શરૂ કરવામાં આવ્યો છે.
(૩૧) એ કે તમે મારા સામે વિદ્રોહ ન કરો અને મુસલમાન થઈને મારા પાસે આવી જાઓ.” (ع-૨)