(૫૧) ઈમાનવાળાઓનું કહેવું તો આમ છે કે જ્યારે તેમને એટલા માટે બોલાવવામાં આવે કે અલ્લાહ અને તેનો રસૂલ તેમનામાં ફેંસલો કરી દે તો તેઓ કહે છે કે અમે સાંભળ્યું અને માની લીધું, આ જ લોકો સફળતા પામનાર છે.
(૫૨) અને જે કોઈ પણ અલ્લાહ (તઆલા) અને તેના રસૂલનું આજ્ઞાપાલન કરે, અલ્લાહનો ડર રાખે અને (તેના અઝાબથી) ડરતો રહે, આવા જ લોકો સફળતા પ્રાપ્ત કરનારા છે.
(૫૩) અને તેઓ ઘણી મજબૂતી સાથે અલ્લાહ (તઆલા) ની કસમો ખાઈને કહે છે કે, “તમારો હુકમ થતાં જ નીકળી જઈશું,” કહી દો કે બસ કસમ ન ખાઓ, તમારા આજ્ઞાપાલન (ની હકીકત) ખબર છે, જે કંઈ તમે કરી રહ્યા છો અલ્લાહ (તઆલા) તેનાથી અજાણ નથી.”
(૫૪) કહી દો કે, “અલ્લાહ (તઆલા) નું આજ્ઞાપાલન કરો, રસૂલનું આજ્ઞાપાલન કરો પછી પણ જો તમે મોઢું ફેરવ્યુ તો રસૂલનું કર્તવ્ય તો ફક્ત એ જ છે જે તેમના પર અનિવાર્ય કરી દેવામાં આવ્યુ છે, અને તમારા પર તેની જવાબદારી છે જે તમારા પર રાખવામાં આવી છે, હિદાયત તો તમને તે સમયે મળશે જયારે તમે રસૂલનું આજ્ઞાપાલન કબૂલ કરશો. (સાંભળો!) રસૂલનું કર્તવ્ય તો ફક્ત સ્પષ્ટપણે પહોંચાડી દેવાનું છે.
(૫૫) તમારામાંથી જેઓ ઈમાન લાવ્યા છે અને ભલાઈના કામો કર્યા છે, અલ્લાહ (તઆલા) વાયદો કરી ચૂક્યો છે કે તેમને ધરતીના વારસદાર બનાવશે, જેવા કે તે લોકોને વારસદાર બનાવ્યા હતા જે તેમના પહેલા હતા અને બેશક તેમના માટે તેમના આ ધર્મને મજબૂતી સાથે કાયમ કરી દેશે જેને તેમના માટે તે પસંદ કરી ચૂક્યો છે, અને તેમના આ ડરને શાંતિમાં બદલી દેશે,[1] તો તેઓ મારી બંદગી કરે અને મારા સાથે કોઈને ભાગીદાર ન બનાવે, આના પછી પણ જે લોકો નાશુક્રી કરે અને ઈન્કાર કરે તો બેશક તેઓ નાફરમાન છે.
(૫૬) અને નમાઝ કાયમ કરો, ઝકાત આપો, અને અલ્લાહ (તઆલા) ના રસૂલના આજ્ઞાપાલનમાં લાગેલા રહો જેથી તમારા પર દયા કરવામાં આવે.
(૫૭) તમે કદી એવો વિચાર ન કરતા કે કાફિર લોકો ધરતી પર (અહીં-તહીં ફેલાઈને) અમને પરાજિત કરી દેશે, તેમનું અસલ ઠેકાણું તો જહન્નમ છે, જે બેશક ઘણું ખરાબ ઠેકાણું છે. (ع-૬)