(૧૧) અલ્લાહ તઆલા તમને તમારી સંતાન વિષે હુકમ આપે છે કે એક છોકરાનો હિસ્સો બે છોકરીઓની બરાબર છે,[7] જો ફક્ત છોકરીઓ હોય અને બે થી વધારે હોય, તો તેમને વારસાના માલમાંથી બે તૃતિયાંશ મળશે,[8] અને જો એક જ છોકરી હોય તો તેના માટે અડધો છે અને મરનારના માતા-પિતામાંથી દરેકના માટે તેને છોડેલા માલનો છઠ્ઠો હિસ્સો છે જો તેની (મરનારની) સંતાન હોય,[9] જો સંતાન ન હોય અને માતા-પિતા વારસદાર હોય તો પછી તેની માતા માટે ત્રીજો હિસ્સો છે,[10] હા, જો મરનારના ઘણા ભાઈ હોય તો પછી તેની માતાનો છઠ્ઠો હિસ્સો છે,[11] આ હિસ્સો તે વસિયત (ને પૂરી કર્યા) પછી છે જે મરનાર કરી ગયો હોય અથવા દેવું ચૂકવ્યા પછી, તમે નથી જાણતા કે તમારા પિતા હોય અથવા તમારી સંતાનમાંથી કોણ તમને ફાયદો પહોંચાડવામાં વધારે નજીક છે,[12] આ હિસ્સા અલ્લાહ (તઆલા) તરફથી નક્કી કરેલા છે, બેશક અલ્લાહ (તઆલા) જાણવાવાળો હિકમતવાળો છે.
(૧૨) અને તમારી પત્નીઓ જે કંઈ છોડીને મરે અને તેમની સંતાન ન હોય તો અડધું તમારૂ છે અને જો તેમની સંતાન હોય તો તેમના છોડેલા માલમાંથી તમારા માટે ચોથાઈ છે[13] તે વસિયતને ચૂકવી દીધા પછી જે તે કરીને ગઈ હોય અથવા દેવું ચૂકવ્યા પછી, અને જે તમે છોડીને જાઓ તેમાંથી તેમના માટે ચોથાઈ છે જો તમારી સંતાન ન હોય, અને જો તમારી સંતાન હોય તો પછી તેમને તમારા છોડેલા માલમાંથી આઠમો હિરસો મળશે,[14] તે વસિયત પછી જે તમે કરીને ગયા હોય અને દેવું ચૂકવ્યા પછી, અને જેનો વારસો લેવામાં આવે છે તે પુરૂષ અથવા સ્ત્રી કલાલ હોય (એટલે કે તેનો પિતા અથવા પુત્ર ન હોય) અને તેનો એક ભાઈ અથવા એક બહેન હોય,[15] તો તેમનામાંથી દરેકનો છઠ્ઠો હિસ્સો છે, અને તેનાથી વધારે હોય તો એક તૃતિયાંશમાં બધા સામેલ છે,[16] તે વસિયત પછી જે કરવામાં આવી હોય અને દેવું ચૂકવ્યા બાદ, જયારે કે બીજાઓને નુકસાન પહોંચાડવામાં આવ્યું ન હોય,[17] આ અલ્લાહ (તઆલા) તરફથી નક્કી કરેલ છે અને અલ્લાહ (તઆલા) દરેક વાતને જાણનાર અને સહનશીલ છે.
(૧૩) આ સીમાઓ અલ્લાહ (તઆલા)ની નક્કી કરેલ છે અને જે અલ્લાહ (તઆલા) અને તેના રસૂલ (ﷺ) ના હુકમોનું પાલન કરશે તેને અલ્લાહ (તઆલા) જન્નતમાં લઈ જશે, જેની નીચે નહેરો વહી રહી છે, જેમાં તેઓ હંમેશા રહેશે, અને આ ઘણી મોટી કામયાબી છે.
(૧૪) અને જે વ્યક્તિ અલ્લાહ (તઆલા)ની અને રસુલ (ﷺ) ની નાફરમાની કરે અને તેની નક્કી કરેલ સીમાઓને ઓળંગે, તેને તે જહન્નમમાં નાખી દેશે, જેમાં તે હંમેશા રહેશે, આવા લોકો માટે જ અપમાનજનક સજા છે. (ع-૨)