(૭૮) નમાઝ કાયમ કરો સૂર્યના ઢળવાથી લઈ રાત્રિના અંધકાર સુધી,[1] અને ફજર (સવાર)માં કુરઆન પઢવું પણ, બેશક ફજરના સમયે કુરઆન પઢવું જેના ઉપર સાક્ષી આપવામાં આવી હોય તેવું છે.
(૭૯) અને રાત્રિના કેટલાક હિસ્સામાં તહજ્જુદ (ની નમાઝમાં કુરઆન) પઢયા કરો, આ વધારો તમારા માટે છે, જલદી તમારો રબ તમને મકામે મહમૂદ નામના સ્થાન પર આસીન કરશે.[1]
(૮૦) અને દુઆ કર્યા કરો કે, “હે મારા રબ! મને જ્યાં પણ લઈ જા સત્ય સાથે લઈ જા અને જ્યાંથી પણ કાઢે સત્ય સાથે કાઢ અને મારા માટે તારા તરફથી પ્રભાવ અને મદદ નિશ્ચિત કરી દે.
(૮૧) અને એલાન કરી દો કે, “સત્ય આવી ગયું અને અસત્ય નાબૂદ થઈ ગયું, બેશક અસત્ય હતું પણ નાબૂદ થવાને લાયક”[1]
(૮૨) અને આ કુરઆન જેને અમે ઉતારી રહ્યા છીએ તે ઈમાનવાળાઓ માટે રોગ-નિવારણ (શિફા) અને દયા છે, હાં, જાલિમોના માટે નુક્સાન સિવાય કોઈ વસ્તુમાં વધારો નથી કરતું.
(૮૩) અને મનુષ્ય પર જયારે અમે પોતાની કૃપા પ્રદાન કરીએ છીએ તો તે મોઢું ફેરવી લે છે અને કરવટ બદલી લે છે અને જ્યારે પણ તેને દુઃખ પડે છે તો તે નિરાશ થઈ જાય છે.
(૮૪) કહી દો કે, “દરેક મનુષ્ય પોતાના તરીકા મુજબ કામ કરે છે, જેઓ પૂરી રીતે હિદાયત પર છે તેમને તમારો રબ સારી રીતે જાણે છે.” (ع-૯)