અલ્લાહના નામથી શરૂ કરુ છું જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
(૧) આ કિતાબનું ઉતરવું અલ્લાહ (તઆલા) જબરજસ્ત અને હિકમતવાળા તરફથી છે.
(૨) બેશક અમે આ કિતાબને સત્યપૂર્વક તમારા તરફ ઉતારી છે.[1] તો તમે ફક્ત અલ્લાહની જ બંદગી કરો તેના માટે દીન (ધર્મ)ને વિશિષ્ટ (ખાલિસ) કરીને.[2]
(૩) સાંભળો! અલ્લાહ (તઆલા) માટે જ વિશિષ્ટ બંદગી છે,[1] અને જે લોકોએ તેના સિવાય સંરક્ષક બનાવી રાખ્યા છે (અને કહે છે) કે અમે તેમની બંદગી માત્ર એટલા માટે જ કરીએ છીએ કે તેઓ અમને અલ્લાહની નજીક પહોંચાડી દે,[2] આ લોકો જેના વિશે મતભેદ કરી રહ્યા છે તેનો (ન્યાયપૂર્વક) ફેંસલો અલ્લાહ (તઆલા) પોતે કરશે, જૂઠા અને નાશુક્રા (લોકો) ને અલ્લાહ (તઆલા) માર્ગ દેખાડતો નથી.
(૪) જો અલ્લાહ (તઆલા)નો ઈરાદો સંતાનનો જ હોત તો પોતાની મખલૂક (સૃષ્ટિ)માંથી જેને ચાહતો પસંદ કરી લેતો, (પરંતુ) તે તો પવિત્ર છે તે જ અલ્લાહ છે એકલો અને શક્તિશાળી.
(૫) ઘણી સારી રીતે તેણે આકાશો અને ધરતીને બનાવ્યા, તે રાતને દિવસ પર અને દિવસને રાત પર લપેટી દે છે,[1] અને તેણે સૂર્ય અને ચંદ્રને કામ પર લગાડી રાખ્યા છે કે દરેક એક નિશ્ચિત સમય સુધી ચાલી રહ્યો છે, વિશ્વાસ રાખો કે તે જ જબરજસ્ત અને ગુનાહોને માફ કરનાર છે.
(૬) તેણે તમને બધાને એક જ જીવથી પેદા કર્યા, પછી તેનાથી તેના જોડા બનાવ્યા અને તમારા માટે જાનવરોમાંથી આઠ જોડા (નર-માદા) પેદા કર્યા, તે તમને તમારી માતાઓના ગર્ભોમાં એક રૂપ પછી બીજા રૂપમાં બનાવે છે,[1] ત્રણ-ત્રણ અંધકારમાં,[2] આ જ અલ્લાહ (તઆલા) તમારો પાલનહાર છે, તેના માટે જ રાજ્ય છે, તેના સિવાય કોઈ મા'બૂદ નથી, પછી તમે ક્યાં ભટકી રહ્યા છો ?
(૭) જો તમે કુફ્ર કરો તો (યાદ રાખો કે) અલ્લાહ (તઆલા) તમારા (બધા)થી બેપરવા છે, અને તે પોતાના બંદાઓના કુફ્રથી રાજી નથી અને જો તમે આભાર માનો તો તે તેને તમારા માટે પસંદ કરશે,[1] અને કોઈ કોઈનો બોજ નહિ ઉપાડે, પછી તમારા બધાનું પાછું ફરવું તમારા રબ તરફ જ છે, તે તમને બતાવી દેશે જે તમે કરતા હતા, બેશક તે દિલોની વાતોને પણ જાણે છે.
(૮) અને મનુષ્યને જયારે કોઈ મુસીબત પહોંચે છે તો તે ખૂબ એકાગ્ર થઈ પોતાના રબને પોકારે છે, પછી જ્યારે અલ્લાહ (તઆલા) પોતાના પાસેથી કૃપા આપે છે તો તે તેના પહેલા જે દુઆ કરતો હતો તે (સંપૂર્ણ) ભૂલી જાય છે અને અલ્લાહનો ભાગીદાર ઠેરવે છે, જેથી (બીજાઓને પણ) તેના માર્ગથી ભટકાવે. (તમે) કહી દો કે, પોતાના કુફ્રનો ફાયદો થોડા દિવસ સુધી ઉઠાવી લે, (અંતમાં) તું જહન્નમવાસીઓમાં થનાર છે.
(૯) ભલા તે મનુષ્ય જે રાત્રિના સમયે સિજદો કરતો હોય અને ઊભા રહેવાની હાલત (કયામ)માં બંદગીમાં પસાર કરતો હોય, આખિરતથી ડરતો હોય અને પોતાના રબની કૃપાની ઉમ્મીદ રાખતો હોય (અને જે તેના વિરૂદ્ધ હોય, સમાન થઈ શકે છે ?), બતાવો તો શું આલિમ (જ્ઞાની) અને જાહિલ (અજ્ઞાની) સમાન હોઈ શકે છે ? બેશક નસીહત તો તેઓ જ પ્રાપ્ત કરે છે જેઓ બુદ્ધિશાળી હોય.[1] (ع-૧)