(૬૫) શું તમે જોતા નથી કે અલ્લાહે જ ધરતીની તમામ વસ્તુઓ તમારા કાબૂમાં કરી દીધી છે અને તેના હુકમથી સમુદ્રમાં ચાલતી નૌકાઓ પણ, તેણે જ આકાશને ટેકવી રાખ્યું છે કે ધરતી પર તેના હુકમ વગર નીચે ન પડે, બેશક અલ્લાહ (તઆલા) લોકો પર અત્યંત માયાળુ અને દયાળુ છે.
(૬૬) અને તેણે તમને જીવન આપ્યું પછી તે જ તમને મૃત્યુ આપશે, પછી તે જ તમને (ફરીથી) જીવતા કરશે, બેશક મનુષ્ય ઘણો નાશુક્રો (અપકારી) છે.
(૬૭) પ્રત્યેક સમુદાય માટે અમે બંદગીની એક પધ્ધતિ નક્કી કરી દીધી છે જેનું તે પાલન કરે છે, તો તેમણે તમારા સાથે આ બાબતમાં વિવાદ ન કરવો જોઈએ, તમે તમારા રબ તરફ લોકોને બોલાવો, બેશક તમે સીધા સાચા માર્ગ ઉપર જ છો.
(૬૮) અને પછી પણ આ લોકો તમારા સાથે ઝઘડવા લાગે તો તમે કહી દો કે, “તમારા કાર્યોથી અલ્લાહ સારી રીતે વાકેફ છે.”
(૬૯) તમારા બધાના મતભેદોનો ફેંસલો અલ્લાહ (તઆલા) કયામતના દિવસે પોતે કરશે.
(૭૦) શું તમે નથી જાણતા કે આકાશ અને ધરતીની દરેક વસ્તુ અલ્લાહના ઈલ્મમાં છે ? આ બધું લખેલી કિતાબમાં સુરક્ષિત છે. અલ્લાહ (તઆલા) માટે આ કામ ઘણું સરળ છે.[1]
(૭૧) અને આ લોકો અલ્લાહ (તઆલા) ના સિવાય તેમની બંદગી કરી રહ્યા છે જેમના માટે કોઈ સનદ નથી ઉતારી અને ન તો આ લોકો પોતે તેમના વિશે કોઈ ઈલ્મ ધરાવે છે, આ જાલિમોનો કોઈ મદદગાર નથી.
(૭૨) અને જ્યારે તેમના સામે અમારી સ્પષ્ટ આયતોનું પઠન કરવામાં આવે છે તો તમે કાફિરોના મોઢાં પર નારાજગીના ચિન્હો સ્પષ્ટ રીતે ઓળખી લો છો, તેઓ તો નજીક હોય છે કે તે લોકો પર હુમલો કરી બેસે જેઓ તેમને અમારી આયતો સંભળાવે છે, તેમને કહો કે, “હું તમને આનાથી પણ વધારે બૂરી ખબર આપું ? તે આગ છે જેનો વાયદો અલ્લાહે કાફિરો સાથે કરી રાખ્યો છે, અને તે ઘણી બૂરી જગ્યા છે.” (ع-૯)