અલ્લાહના નામથી શરૂ કરુ છું જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
(૧) જે લોકોએ કુફ્ર કર્યુ અને અલ્લાહના માર્ગથી રોક્યા,[1] અલ્લાહે તેમના કર્મો બેકાર કરી દીધા.
(૨) અને જે લોકો ઈમાન લાવ્યા અને નેક કામ કર્યા અને તેના ઉપર પણ વિશ્વાસ કર્યો જે મુહમ્મદ (ﷺ) પર ઉતારવામાં આવ્યો છે અને હકીકતમાં તેમના રબ તરફથી સત્ય પણ આ જ છે, અલ્લાહે તેમના ગુનાહોને માફ કરી દીધા,[1] અને તેમની હાલત સુધારી દીધી.
(૩) આ એટલા માટે કે કાફિરોએ અસત્યનું અનુસરણ કર્યુ અને ઈમાનવાળાઓએ સત્યનું અનુસરણ કર્યુ, જે તેમના રબ તરફથી છે. અલ્લાહ (તઆલા) લોકોને તેમની હેસિયત આવી રીતે બતાવે છે.
(૪) તો જ્યારે કાફિરો સાથે તમારી અથડામણ થઈ જાય તો ગરદનો પર ઘા કરો, ત્યાં સુધી કે જ્યારે તેમને બરાબર કચડી નાખો તો હવે ખૂબ મજબૂત જેલમાં કેદ કરો, પછી (તમને અધિકાર છે કે) ઉપકાર કરીને અઝાદ કરી દો,[1] અથવા કંઈક અર્થ-દંડ (ફિદિયો) લઈને ત્યાં સુધી કે લડનારાઓ પોતાના હથિયાર મૂકી દે, આ જ હુકમ છે અને જો અલ્લાહ (તઆલા) ચાહત તો જાતે જ તેમનાથી બદલો લઈ લેતો, પરંતુ (તેની ઈચ્છા એ છે કે) તમારામાંથી એકની પરીક્ષા બીજા વડે કરી લે. અને જે લોકો અલ્લાહના માર્ગમાં શહીદ કરી દેવામાં આવે છે અલ્લાહ તેમના કર્મોને કદી બરબાદ નહિં કરે.
(૫) તેમનું માર્ગદર્શન કરશે અને તેમની સ્થિતિ સુધારી દેશે.
(૬) અને તેમને તે જન્નતમાં લઈ જશે જેનાથી તેમને પરિચિત કરી દેવામાં આવ્યા છે.
(૭) હે ઈમાનવાળાઓ ! જો તમે અલ્લાહ (ના ધર્મ) ની મદદ કરશો તો તે તમારી મદદ કરશે[1] અને તમારા કદમ જમાવી દેશે.
(૮) અને જે લોકો કાફિર થઈ ગયા તેમનો વિનાશ થશે, અલ્લાહે તેમના કર્મો બરબાદ કરી દીધા.
(૯) આ એટલા માટે કે તેઓ અલ્લાહની ઉતારેલી વસ્તુથી નારાજ થયા, તો અલ્લાહે પણ તેમના કર્મો બરબાદ કરી દીધા.
(૧૦) શું તેઓએ ધરતી પર હરી-ફરીને ન જોયું કે તેમનાથી પહેલાના લોકોનું શું પરિણામ આવ્યું? અલ્લાહે તેમને બરબાદ કરી દીધા અને કાફિરો માટે આવા જ પ્રકારની સજા છે.[1]
(૧૧) આ એટલા માટે કે ઈમાનવાળાઓનો સંરક્ષક અલ્લાહ (તઆલા) પોતે છે કેમ કે કાફિરોનો કોઈ સંરક્ષક નથી.(ع-૧)