(૫૯) અમે નૂહ(અ.સ.)ને તેમની કોમ તરફ મોકલ્યા તો તેમણે કહ્યું, “હે મારી કોમ! અલ્લાહની બંદગી કરો, તેના સિવાય તમારો કોઈ મા'બૂદ નથી, બેશક હું તમારા માટે એક ભયાનક દિવસના અઝાબથી ડરું છું.”
(૬૦) તેમની કોમના સરદારોએ કહ્યું, “અમે તમને સ્પષ્ટ ગુમરાહીમાં જોઈ રહ્યા છીએ.”[1]
(૬૧) (નૂહે) કહ્યું, “હે મારી કોમના લોકો! હું ગુમરાહ નથી, પરંતુ દુનિયાના રબનો રસૂલ છું.”
(૬૨) તમને પોતાના રબનો સંદેશો પહોંચાડુ છું અને તમારી ભલાઈ કરી રહ્યો છું અને અલ્લાહ તરફથી તે ઈલ્મ ધરાવું છું જે ઈલ્મ તમે નથી ધરાવતા.”
(૬૩) શું તમને એનું આશ્ચર્ય છે કે તમારા રબ તરફથી તમારી કોમ (સમુદાય) તરફ એક પુરૂષ પર કોઈ નસીહતની વાત આવી છે ? જેથી તમને બાખબર કરે, અને તમે પરહેઝગારી અપનાવો અને જેથી તમારા ઉપર દયા કરવામાં આવે.
(૬૪) તો તેઓએ તેમને જૂઠાડી દીધા, છેવટે અમે નૂહ અને તેના સાથીઓને નૌકામાં બચાવી લીધા, અને જેઓ અમારી નિશાનીઓને ન માન્યા તેમને ડૂબાડી દીધા, બેશક તે એક આંધળી કોમ હતી.(ع-૮)