Surah Al-Baqarah
સૂરહ અલ-બકરહ
સૂરહ અલ-બકરહ
નીચે આપેલી આયતોની તિલાવત સાંભળવા માટે Play બટન પર ક્લિક કરો.
(૧૮૩) અય ઈમાનવાળાઓ! તમારા પર રોઝા (ઉપવાસ જે રમઝાન માસમાં રાખવામાં આવે છે) ફર્ઝ કરવામાં આવ્યા, જેવી રીતે તમારાથી પહેલાના લોકો પર ફર્ઝ કરવામાં આવ્યા હતા, જેથી તમે તકવા (અલ્લાહનો ડર)નો રસ્તો અપનાવો.[78]
(૧૮૪) ગણતરીના કેટલાક જ દિવસો છે, પરંતુ જો તમારામાંથી જે માણસ બીમાર હોય અથવા મુસાફરીમાં હોય, તો તે બીજા દિવસોમાં ગણતરી પૂરી કરી લે અને જે તેની તાકાત રાખતો હોય તો ફિદિયામાં એક ગરીબને ખાવાનું આપે, પછી જે માણસ ભલાઈમાં વધી જાય તે તેના માટે બેહતર છે, પરંતુ તમારા હકમાં બેહતર અમલ રોઝા રાખવા જ છે જો તમે જાણતા હોત.
(૧૮૫) રમઝાનનો મહિનો તે છે જેમાં કુરઆન ઉતારવામાં આવ્યું.[79] જે લોકો માટે હિદાયત છે, અને જે હિદાયત અને સત્ય તથા જૂઠ વચ્ચે ફેંસલો કરનાર છે, તો તમારામાંથી જે કોઈ આ મહિનો પામે તેણે રોઝા રાખવા જોઈએ, હા જે બીમાર હોય અથવા મુસાફરીમાં હોય, તો તેણે બીજા દિવસોમાં ગણતરી પૂરી કરવી જોઈએ, અલ્લાહ (તઆલા)ની મરજી તમારા સાથે આસાનીની છે સખ્તીની નહિં, તે ઈચ્છે છે કે તમે ગણતરી પૂરી કરી લો અને અલ્લાહની આપેલી હિદાયત અનુસાર તેની મહાનતાનું વર્ણન કરો અને તેના આભારી રહો.
(૧૮૬) અને જયારે મારા બંદાઓ મારા વિષે સવાલ કરે તો કહી દો કે હું ખૂબજ નજીક છું, દરેક પોકારનારની પોકારને જયારે પણ મને પોકારે હું કબૂલ કરૂ છું, એટલા માટે લોકોને પણ જોઈએ કે તેઓ મારી વાત માને અને મારા પર ઈમાન રાખે આજ તેમની ભલાઈનું કારણ છે.
(૧૮૭) રોઝાની રાત્રિઓમાં પોતાની પત્નીઓથી મળવાની તમને છૂટ છે, તે તમારો પોશાક છે અને તમે તેમના પોશાક છો, તમારી છુપાયેલી ખયાનતનું અલ્લાહને ઈલ્મ છે, તેણે તમારી તૌબા કબૂલ કરી તમને માફ કરી દીધા, હવે તમે તેમનાથી સહશયન (હમબિસ્તરી) કરો અને અલ્લાહ (તઆલા)ની લખેલી વસ્તુને શોધવાનો હુકમ છે. તમે ખાતા-પીતા રહો, ત્યાં સુધી કે ફજ્ર(પરોઢ)ની સફેદીનો દોરો અંધારાના કાળા દોરાથી સ્પષ્ટ થઈ જાય,[80] પછી રાત્રિ સુધી રોઝાને પૂરો કરો અને પત્નીઓથી તે સમયે હમબિસ્તરી ન કરો જયારે તમે મસ્જિદોમાં એ'અતેકાફ (એક ચોક્કસ સમયના માટે અલ્લાહની બંદગીના મકસદથી પોતે પોતાને મસ્જિદ સુધી સિમિત કરી દેવું)માં હોવ, આ અલ્લાહ (તઆલા) ની હદો છે તમે એની નજીક પણ ન જાઓ, આ રીતે અલ્લાહ પોતાની નિશાનીઓ લોકો પર સ્પષ્ટ કરે છે, જેથી તેઓ બચે.
(૧૮૮) અને એકબીજાનો માલ ખોટા તરીકાથી ન ખાઓ, ન હકદાર માણસોને રિશ્વત પહોંચાડીને કોઈનો કેટલોક માલ જુલમથી હડપ કરી લો, ભલેને તમે જાણતા હોવ.[81]