(૯૪) ક્યારેય એવું નથી બન્યું કે અમે કોઈ વસ્તીમાં નબી મોકલ્યા હોય અને ત્યાંના રહેવાસીઓને અમે બીમારી અને ગરીબીથી ન પકડ્યા હોય જેથી તેઓ કરગરે (વિનમ્રતા અપનાવે).
(૯૫) પછી અમે તેમની દુર્દશાને ખુશહાલીમાં બદલી નાખી, ત્યાં સુધી કે જયારે તેઓ ખુશહાલ થઈ ગયા અને કહેવા લાગ્યા કે, “અમારા પૂર્વજોને પણ દુઃખ અને રાહતનો સામનો કરવો પડ્યો, તો અમે અચાનક તેમને પકડી લીધા અને તેમને ખબર પણ ન હતી.”
(૯૬) અને જો તે વસ્તીઓમાં રહેનારા લોકો ઈમાન લાવતા અને પરહેઝગારીનું વલણ અપનાવતા તો અમે આકાશ અને ધરતીની બરકતો (સમૃદ્ધિ)ના દરવાજા તેમના ઉપર ખોલી દેતા, પરંતુ તેમણે જૂઠાડયા તો અમે તેમને તેમની બૂરાઈઓના કારણે પકડી લીધા.
(૯૭) શું પછી પણ આ વસ્તીઓના રહેનારા એ વાતથી નિર્ભય થઈ ગયા છે કે તેમના ઉપર અમારો અઝાબ રાત્રિના સમયે આવી પડે જે સમયે તેઓ ઊંઘતા હોય?
(૯૮) અને શું તે વસ્તીઓના રહેનારા એ વાતથી નિશ્ચિંત થઈ ગયા છે કે તેમના ઉપર અમારો અઝાબ દિવસ ચડ્યે આવી જાય જે સમયે તેઓ રમતમાં મશગુલ હોય?
(૯૯) શું તેઓ અલ્લાહની યોજનાથી ડરતા નથી? જો કે અલ્લાહની યોજનાથી નુકસાન પામનારા લોકો[1] જ ડરતા નથી. (ع-૧૨)