(૨૨) અને આકાશો અને ધરતીને અલ્લાહે ખૂબ જ સત્યપૂર્વક પેદા કર્યા છે, જેથી દરેક મનુષ્યને તેના કરેલા કામોનો બદલો પૂરેપૂરો આપવામાં આવે અને તેમના સાથે જુલમ કરવામાં નહિં આવે.[1]
(૨૩) શું તમે તેને પણ જોયો જેણે પોતાની મનેચ્છાઓને પોતાનો મા'બૂદ બનાવી રાખ્યો છે, અને સૂઝબૂઝ હોવા છતાં પણ અલ્લાહે તેને ગુમરાહ કરી દીધો છે, અને તેના કાન અને દિલ પર મહોર લગાવી દીધી છે અને તેની આંખ ઉપર પણ પડદો નાખી દીધો છે ? હવે આવા વ્યક્તિને અલ્લાહ પછી કોણ માર્ગદર્શન કરી શકે છે ? શું હજુ પણ તમે નસીહત પ્રાપ્ત નથી કરતા ?
(૨૪) અને તેમણે ક્હયું કે, “અમારૂ જીવન ફક્ત દુનિયાનું જીવન જ છે, અહીં જ અમે મરીએ છીએ અને જીવીએ છીએ અને અમને ફક્ત કાળચક્ર (જમાનો) જ મારી નાખે છે.” (હકીકતમાં) તેમને તેનું કોઈ જ્ઞાન જ નથી આ તો ફક્ત અટકળોથી જ કામ લઈ રહ્યા છે.
(૨૫) અને જ્યારે તેમના સામે અમારી સ્પષ્ટ આયતોનું પઠન કરવામાં આવે છે તો તેમના પાસે આના સિવાય કોઈ દલીલ નથી હોતી કે જો તમે સાચા છો તો અમારા બાપ-દાદાઓને લઈ આવો.
(૨૬) (તમે) કહી દો કે અલ્લાહ જ તમને જીવતા કરે છે પછી તમને મારી નાખે છે, પછી તમને કયામતના દિવસે જમા કરશે જેમાં કોઈ શંકા નથી, પરંતુ મોટાભાગના લોકો જાણતા નથી. (ع-૩)