(૧૧૧) બેશક અલ્લાહે ઈમાનવાળાઓ પાસેથી તેમની જાનો અને માલોને જન્નતના બદલામાં ખરીદી લીધેલ છે, તેઓ અલ્લાહના માર્ગમાં લડે છે, જેમાં કતલ કરે છે અને કતલ થાય છે, તેમના માટે પાકો વાયદો છે તૌરાત અને ઈન્જીલ અને કુરઆનમાં, અને અલ્લાહથી વધારે પોતાના વાયદાનું પાલન કોણ કરી શકે છે ? એટલા માટે તમે ખુશ થઈ જાઓ આ સોદા ઉપર જે અલ્લાહ સાથે કરી લીધો છે, અને આ સૌથી મોટી કામયાબી છે.
(૧૧૨) તેઓ એવા છે જેઓ તૌબા કરનારા છે, બંદગી કરનારા છે, (અલ્લાહની) પ્રશંસા કરનારા છે, રોઝા રાખનારા છે, (અથવા સાચા માર્ગ પર મુસાફરી કરનારા), રુકૂઅ અને સિજદા કરનારા, સારી વાતોની નસીહત કરનારા અને બૂરી વાતોથી રોકનારા અને અલ્લાહના કાનૂનની રક્ષા કરનારા છે અને આવા ઈમાનવાળાઓને ખુશખબર સંભળાવી દો.[1]
(૧૧૩) પયગંબર અને બીજા ઈમાનવાળાઓને પરવાનગી નથી કે મૂર્તિપૂજકો માટે માફીની દુઆ કરે ભલેને તે સગાં કેમ ન હોય, એ હુકમને સ્પષ્ટ થઈ ગયા પછી કે આ લોકો જહન્નમમાં જશે.[1]
(૧૧૪) અને ઈબ્રાહીમની પોતાના પિતા માટે માફીની દુઆ કરવું એ ફક્ત તે વચનના કારણે હતુ જે તેમણે પોતાના પિતાને આપ્યુ હતું, પછી જયારે તેમના ઉપર એ વાત સ્પષ્ટ થઈ ગઈ કે તે અલ્લાહનો દુશ્મન છે, તો તે તેનાથી વિમુખ થઈ ગયા,[1] હકીકતમાં ઈબ્રાહીમ ઘણા નરમ દિલ અને સહન કરનારા હતા.
(૧૧૫) અને અલ્લાહ એવું નથી કરતો કે કોઈ કોમને હિદાયત આપ્યા પછી ભટકાવી દે, જ્યાં સુધી તે વાતોને સ્પષ્ટ રીતે ન બતાવી દે જેનાથી તેઓ બચે, બેશક અલ્લાહ દરેક વસ્તુને સારી રીતે જાણે છે.
(૧૧૬) બેશક અલ્લાહનું જ રાજ્ય છે આકાશોમાં અને ધરતીમાં, તે જ જીવાડે છે અને મારે છે, અને અલ્લાહ સિવાય તમારો ન કોઈ દોસ્ત છે ન કોઈ મદદગાર.
(૧૧૭) અલ્લાહ (તઆલા)એ પયગંબરની હાલત ઉપર ધ્યાન આપ્યુ અને મુહાજીરો તથા અન્સારોની હાલત ઉપર પણ, જેમણે આવી તંગી વખતે પણ પયગંબરનો સાથ આપ્યો,[1] તેના પછી કે તેમનામાંથી એક જૂથના દિલ ડામાડોળ થવા લાગ્યા હતા, પછી અલ્લાહે તેમની હાલત ઉપર દયા કરી, બેશક અલ્લાહ તે બધા ઉપર કૃપા અને દયા કરનાર છે.
(૧૧૮) અને ત્રણ વ્યક્તિઓની હાલત ઉપર પણ જેમનો મામલો સ્થગિત કરી દેવામાં આવ્યો હતો,[1] ત્યાં સુધી કે જ્યારે ધરતી પોતાની વિશાળતા છતાં તેમના માટે તંગ થવા લાગી, અને તેઓ પોતે પોતાના અસ્તિત્વથી તંગ આવી ગયા, અને તેમણે જાણી લીધું કે અલ્લાહ સિવાય કોઈ પનાહ નથી મળી શકતી એના સિવાય કે તેના તરફ પાછા ફરવામાં આવે, પછી તેમની હાલત પર દયા કરી, જેથી તેઓ ભવિષ્યમાં પણ તૌબા કરી શકે, બેશક અલ્લાહ (તઆલા) ઘણો તૌબા કબૂલ કરવાવાળો અને ઘણો દયાળુ છે. (ع-૧૪)