અલ્લાહના નામથી શરૂ કરુ છું જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
(૧) હા. મીમ.!
(૨) સોગંદ છે આ સ્પષ્ટ કિતાબના
(૩) બેશક અમે આને મુબારક રાત[1] માં ઉતારી છે, બેશક અમે બાખબર કરી દેનારા છીએ.
(૪) તે રાતમાં દરેક મહત્વના કામોનો ફેંસલો કરવામાં આવે છે.
(૫) અમારા પાસેથી આદેશ થઈને, અમે જ રસૂલ બનાવીને મોકલનારા છીએ.
(૬) તમારા રબની કૃપાથી, તે જ છે સાંભળનાર અને જાણનાર.
(૭) જે રબ છે આકાશો અને ધરતીનો અને જે કંઈ તેમના વચ્ચે છે, જો તમે વિશ્વાસ ધરાવતા હોવ.
(૮) તેના સિવાય કોઈ બંદગીના લાયક નથી, તે જ જીવતા કરે છે અને મારે છે, તે જ તમારો રબ છે અને તમારા પૂર્વજોનો પણ.
(૯) બલ્કે આ લોકો શંકામાં પડેલા રમી રહ્યા છે.
(૧૦) તમે તે દિવસની રાહ જુઓ જ્યારે આકાશ પ્રત્યક્ષ ધુમાડો લાવશે.
(૧૧) જે લોકોને ઘેરી લેશે, આ દુઃખદાયી અઝાબ છે.
(૧૨) (કહેશે કે) “હે અમારા રબ! આ અઝાબ અમારાથી દૂર કરી દે અમે ઈમાન કબૂલ કરીએ છીએ.”
(૧૩) આમના માટે નસીહત ક્યાં છે ? સ્પષ્ટ રીતે વર્ણન કરનારા પયગંબર આ લોકો પાસે આવી ચૂક્યા.
(૧૪) તો પણ આ લોકોએ તેમનાથી મોઢું ફેરવી લીધુ અને કહી દીધું કે, “આ તો શિખવેલો-ભણાવેલો દીવાનો છે.”
(૧૫) અમે અઝાબને થોડો દૂર કરી દઈશું તો તમે પાછા પોતાની એ જ હાલતમાં આવી જશો.
(૧૬) જે દિવસે અમે ખૂબ સખત પકડથી પકડીશું,[1] ચોક્કસપણે અમે બદલો લેવાવાળા છીએ.
(૧૭) બેશક અમે આમના પહેલા ફિરઔનની કોમની (પણ) પરીક્ષા લઈ ચૂક્યા છીએ,[1] જેમના પાસે (અલ્લાહના) સન્માનિત રસૂલ આવ્યા.
(૧૮) કે અલ્લાહ (તઆલા) ના બંદાઓને મને આપી દો,[1] વિશ્વાસ રાખો કે હું તમારા માટે ઈમાનદાર રસૂલ છું.
(૧૯) અને તમે અલ્લાહના સામે સરકશી (વિદ્રોહ) ન કરો, હું તમારા પાસે સ્પષ્ટ દલીલ લાવનાર છું.
(૨૦) અને હું મારા અને તમારા રબની પનાહમાં આવું છું એનાથી કે તમે મને પથ્થરો વડે મારી નાખો.
(૨૧) અને જો તમે મારા પર ઈમાન નથી લાવતા તો મારાથી અલગ જ રહો.
(૨૨) પછી તેમણે પોતાના રબથી દુઆ કરી કે આ બધા ગુનેહગાર લોકો છે.
(૨૩) (અમે કહી દીધું) કે રાતોરાત તમે મારા બંદાઓને લઈને નીકળી જાઓ, બેશક તમારો પીછો કરવામાં આવશે.
(૨૪) અને તમે સમુદ્રને રોકાયેલો છોડીને ચાલ્યા જાઓ, બેશક આ સેના ડૂબાડી દેવામાં આવશે.
(૨૫) તેઓ ઘણાં બાગ અને ઝરણાંઓ છોડી ગયાં.
(૨૬) અને ખેતી અને આરામદાયક રહેઠાણો.
(૨૭) અને તે સુખદાયી વસ્તુઓ જેમાં તેઓ સુખ ભોગવી રહ્યા હતા.
(૨૮) આવી રીતે થઈ ગયું, અને અમે તે બધાના વારસદાર બીજી કોમને બનાવી દીધા.[1]
(૨૯) તો તેમના માટે ન તો આકાશ રડ્યું અને ન ધરતી,[1] અને ન તેમને થોડી મહેતલ આપવામાં આવી. (ع-૧)