(૪૨) તેમને પૂછો કે, “રહમાન (કૃપાળુ) થી રાત-દિવસ તમારી રક્ષા કોણ કરી શકે છે ? બલ્કે આ લોકો પોતાના રબનો ઝિક્ર કરવાથી ફરેલા છે.
(૪૩) શું અમારા સિવાય તેમના કોઈ બીજા મા'બૂદ છે જે તેમને મુસીબતથી બચાવતા હોય ? કોઈ પણ પોતે પોતાની મદદ કરવાની તાકાત નથી ધરાવતા, અને ન કોઈને અમારા તરફથી સાથ આપવામાં આવે છે.
(૪૪) બલ્કે અમે આમના અને એમના બાપ-દાદાઓને જીવન સામગ્રી આપી, ત્યાં સુધી કે તેમના આયુષ્યની હદ પૂરી થઈ ગઈ, શું તેઓ નથી જોતા કે અમે જમીનને તેના કિનારાઓથી ઘટાડતા આવી રહ્યા છીએ ? તો હવે શું આ લોકો વિજયી થશે ?
(૪૫) કહી દો કે, “હું તો ફક્ત તમને અલ્લાહની વહી વડે બાખબર કરું છું, પરંતુ બહેરા માણસો પોકારને નથી સાંભળતા, જ્યારે કે તેમને બાખબર કરવામાં આવી રહ્યા હોય.
(૪૬) અને જો તેમને તમારા રબનો અઝાબ સહેજ પણ સ્પર્શી જાય તો પોકારી ઉઠે કે, “હાય અમારું દુર્ભાગ્ય ! બેશક અમે જ જાલિમ હતા.”
(૪૭) અને અમે કયામતના દિવસે તેમના વચ્ચે ઠીક તોલવાના ત્રાજવાં લાવી રાખીશું, પછી કોઈના પર કોઈ રીતે જુલમ કરવામાં નહિં આવે, અને જો એક રાઈના દાણા બરાબર પણ (કર્મ) હશે તેને અમે સામે લાવીશું, અને અમે હિસાબ લેવા માટે પૂરતા છીએ.[1]
(૪૮) અને આ સંપૂર્ણ રીતે સત્ય છે કે અમે મૂસા અને હારૂનને ફેંસલો કરવાવાળી પ્રકાશિત અને નેક લોકો માટે નસીહતવાળી કિતાબ આપી છે.
(૪૯) તે લોકો જેઓ જોયા વગર પોતાના રબથી ડરે છે અને જેઓ કયામતના વિચારોથી ધ્રુજતા રહે છે.
(૫૦) અને આ નસીહત તથા બરક્તવાળું કુરઆન અમે જ ઉતાર્યુ છે, શું પછી પણ તમે આનો ઈન્કાર કરો છો ? (ع-૪)