(૩૧) શું તમે આના પર વિચાર નથી કરતા કે સમુદ્રમાં નૌકાઓ અલ્લાહની કૃપાથી ચાલે છે જેથી તે તમને પોતાની નિશાનીઓ બતાવી દે ? બેશક આમાં સબ્ર કરનાર અને ઉપકાર માનનાર માટે ઘણી નિશાનીઓ છે.
(૩૨) અને જ્યારે તેમના ઉપર ધારાઓ છત્રીઓની જેમ છવાઈ જાય છે, તો તેઓ યકીન રાખીને અલ્લાહ (તઆલા)ને જ પોકારે છે અને જ્યારે અલ્લાહ (તઆલા) તેમને બચાવીને જમીન તરફ પહોંચાડી દે છે તો કેટલાક તેમનામાંથી સંતુલિત રહે છે, અને અમારી આયતોનો ઈન્કાર તેઓ જ કરે છે જેઓ વચન તોડનારા અને નાશુક્રા (અપકારી) હોય છે.
(૩૩) લોકો! પોતાના રબનો ડર રાખો અને તે દિવસનો ડર રાખો, જે દિવસે પિતા પોતાના પુત્રને કોઈ ફાયદો પહોંચાડી નહિ શકે, અને ન પુત્ર પોતાના પિતાને જરા પણ ફાયદો પહોંચાડનાર હશે. યાદ રાખો! અલ્લાહનો વાયદો સાચો છે. જુઓ ! તમને દુનિયાનું જીવન ધોખામાં ન નાખે અને ન ધોખેબાજ (શેતાન) તમને અલ્લાહના મામલામાં ધોખામાં નાખી દે.
(૩૪) બેશક અલ્લાહ (તઆલા) પાસે જ કયામતનું ઈલ્મ છે, તે જ વરસાદ વરસાવે છે અને માતાના ગર્ભમાં જે છે તેને જાણે છે, કોઈ (પણ) નથી જાણતું કે કાલે શું કમાણી કરવાનો છે. ન કોઈને એની ખબર છે કે કઈ ધરતી પર તે મરશે,[1] યાદ રાખો ! અલ્લાહ જ સંપૂર્ણ ઈલ્મવાળો અને સચ્ચાઈ જાણવાવાળો છે. (ع-૪)