Surah Ali 'Imran
સૂરહ આલે ઈમરાન
સૂરહ આલે ઈમરાન
નીચે આપેલી આયતોની તિલાવત સાંભળવા માટે Play બટન પર ક્લિક કરો.
(૧૫૬) અય મુસલમાનો! તમે તેમના જેવા ન બનો જેઓ નાશુક્રા (અપકારી) બની ગયા અને તેમના ભાઈઓએ જયારે ધરતી પર મુસાફરી કરી અથવા જિહાદ માટે નીકળ્યા તો કહ્યું કે જો તેઓ અમારા સાથે રહેતા તો ન મૃત્યુ પામતા, ન તેઓ કતલ થતા,[68] (તેમના આ વિચારનું કારણ એ છે કે) અલ્લાહ તેને તેમના દિલોના અફસોસનું કારણ બનાવી દે, જીવન અને મૃત્યુ અલ્લાહ જ આપે છે અને અલ્લાહ તમારા કાર્યોને જોઈ રહ્યો છે.
(૧૫૭) જો તમે અલ્લાહના માર્ગમાં શહીદ થઈ જાઓ અથવા મૃત્યુ પામો તો અલ્લાહની માફી અને રહમત તેના (માલ)થી સારી છે જેને તેઓ જમા કરી રહ્યા છે.[69]
(૧૫૮) અને તમે મૃત્યુ પામો અથવા માર્યા જાઓ, તમારે અલ્લાહના પાસે જ જમા થવાનું છે.
(૧૫૯) અલ્લાહની રહેમતના કારણે તમે તેમના માટે નરમ બની ગયા છો અને તમે કઠોર સ્વભાવના અને સખત દિલના હોત તો આ બધા તમારા પાસેથી દૂર જતા રહેતા, એટલા માટે તમે તેમને માફ કરો,[70] અને તેમના માટે માફી માગો અને કામનો મશ્વરો તેમનાથી કર્યા કરો,[71] પછી જયારે તમારો ઈરાદો મજબૂત થઈ જાય તો અલ્લાહ (તઆલા) પર ભરોસો કરો[72] અને અલ્લાહ (તઆલા) ભરોસો કરનારને દોસ્ત રાખે છે.
(૧૬૦) જો અલ્લાહ (તઆલા) તમારી મદદ કરે તો તમારા પર કોઈ પ્રભાવી થઈ શકતું નથી, અને જો તે તમને છોડી દે તો કોણ છે જે તમારી મદદ કરે ? અને ઈમાનવાળાઓએ અલ્લાહ (તઆલા) પર જ ભરોસો કરવો જોઈએ.
(૧૬૧) અને આ અશક્ય છે કે નબી વડે ખયાનત થઈ જાય, દરેક ખયાનત કરવાવાળો કયામતના દિવસે ખયાનતને લઈને હાજર થશે, પછી દરેક વ્યક્તિને પોતાના કર્મોનો પૂરેપૂરો બદલો આપી દેવામાં આવશે અને તેમના પર જુલમ કરવામાં નહિં આવે.
(૧૬૨) શું તે વ્યક્તિ જેણે અલ્લાહની ખુશીનું અનુસરણ કર્યું તેના સમાન છે જે અલ્લાહના પ્રકોપની સાથે પાછો ફર્યો? અને તેનું ઠેકાણું જહન્નમ છે અને તે સૌથી ખરાબ ઠેકાણું છે.
(૧૬૩) અલ્લાહ (તઆલા) પાસે તેમના અલગ-અલગ દરજજાઓ છે અને તેમના બધા કાર્યોને અલ્લાહ સારી રીતે જોઈ રહ્યો છે.
(૧૬૪) બેશક મુસલમાનો પર અલ્લાહનો ઉપકાર છે કે તેણે તેમનામાંથી એક રસૂલ તેમનામાં મોકલ્યો જે તેની આયતો તેમને સંભળાવે છે અને તેમને પવિત્ર કરે છે અને તેમને કિતાબ અને હિકમત શીખવે છે[73] અને બેશક આ બધા આના પહેલા સ્પષ્ટ રીતે ગુમરાહ હતા.
(૧૬૫) (શું વાત છે) કે જયારે તમારા પર એક મુસીબત પહોંચી તેનાથી બમણી તમે તેઓને પહોંચાડી છે તો તમે કહ્યું કે આ ક્યાંથી આવી (હે રસુલ) તમે કહી દો કે આ તમે પોતે પોતાના ઉપર નાખી છે, બેશક દરેક વસ્તુ પર અલ્લાહ કુદરત ધરાવે છે.
(૧૬૬) અને બંને જૂથોના મુકાબલાના દિવસે તમને જે કંઈ પહોંચ્યું તે અલ્લાહના હુકમથી પહોંચ્યું અને જેથી અલ્લાહ મુસલમાનોને સ્પષ્ટ રીતે જાણી લે.
(૧૬૭) અને મુનાફિકોને જાણી લે જેમનાથી કહેવામાં આવ્યું કે આવો અલ્લાહના માર્ગમાં લડો અથવા હુમલાથી બચાવ કરો તો તેઓએ કહ્યું કે જો અમે જાણતા કે લડાઈ થશે તો જરૂર તમારો સાથ આપતા, તેઓ તે દિવસે ઈમાનની સરખામણીમાં કુફ્રની નજીક વધુ હતા, પોતાના મોંઢાથી એવી વાત કરી રહ્યા હતા જે તેમના દિલોમાં ન હતી, અને અલ્લાહ તેને જાણે છે જેને તેઓ છુપાવે છે.
(૧૬૮) જેમણે પોતાના ભાઈઓ માટે કહ્યું અને પોતે પણ બેસેલા રહ્યા કે જો તેઓ અમારી વાત માનતા તો કતલ કરવામાં ન આવતા, કહી દો જો તમે સાચા હોવ તો પોતાની મોતને ટાળી દો.[74]
(૧૬૯) અને જે લોકો અલ્લાહના માર્ગમાં માર્યા ગયા તેઓને મૃત ન સમજો પરંતુ તેઓ જીવિત છે, પોતાના રબને ત્યાં રોજી મેળવી રહ્યા છે.[75]
(૧૭૦) અલ્લાહ (તઆલા) એ પોતાની કૃપા જે તેમને આપી રાખી છે, તેનાથી તેઓ ઘણા ખુશ છે અને ખુશી મનાવી રહ્યા છે તે લોકોના વિષે જેઓ હજી સુધી તેમનાથી મળ્યા નથી તેમના પાછળ છે, તે વાત પર કે તેમને ન કોઈ ડર છે અને ન કોઈ ગમ.
(૧૭૧) તેઓ અલ્લાહની ને'મત અને ફઝલથી ખુશ થાય છે. અને તેનાથી પણ કે અલ્લાહ (તઆલા) ઈમાનવાળાના બદલાને બરબાદ નથી કરતો.