(૩૦) યહૂદી કહે છે કે ઉજૈર અલ્લાહના પુત્ર છે, અને ઈસાઈ કહે છે કે મસીહ અલ્લાહના પુત્ર છે, આ વાતો ફક્ત તેમના મોઢાંની વાતો છે, પહેલાના કાફિરોની વાતોની આ લોકો પણ બરાબરી કરવા લાગ્યા છે અલ્લાહ તેમને બરબાદ કરે તેઓ ક્યાંથી પાછા ફરી રહ્યા છે?
(૩૧) તે લોકોએ અલ્લાહને છોડીને પોતાના આલિમો અને દરવેશો (ધર્માચાર્યો)ને રબ બનાવ્યા છે,[1] અને મરયમના પુત્ર મસીહને પણ, જો કે તેમને એક જ અલ્લાહની બંદગીનો હુકમ આપવામાં આવ્યો હતો જેના સિવાય કોઈ બંદગીને લાયક નથી, તે તેમના શિર્ક કરવાથી પવિત્ર છે.
(૩૨) આ લોકો અલ્લાહના પ્રકાશને પોતાના મોઢા વડે હોલવી નાખવા ચાહે છે, અને અલ્લાહ ઈન્કાર કરે છે પરંતુ એ કે પોતાના પ્રકાશને પૂરો કરે, ભલેને કાફિર લોકો નારાજ થાય.[1]
(૩૩) તેણે જ પોતાના રસૂલને સત્ય માર્ગ અને સત્ય ધર્મ સાથે મોકલ્યાં કે તેને બીજા બધા ધર્મ પર પ્રભાવી કરી દે,[1] ભલેને મુશરિકો તેને બૂરું માને.
(૩૪) અય ઈમાનવાળાઓ! મોટા ભાગના આલિમો અને ઈબાદત કરનારાઓ લોકોનો માલ નાહક રીતે ખાઈ જાય છે, અને અલ્લાહના માર્ગથી રોકે છે અને જે લોકો સોના ચાંદીના ખજાનાઓ રાખે છે અને અલ્લાહના માર્ગમાં ખર્ચ નથી કરતા તેમને સખત સજાની ખબર સંભળાવી દો.[1]
(૩૫) જે દિવસે તે ખજાનાઓને જહન્નમની આગમાં તપાવવામાં આવશે, પછી તેનાથી તેમના માથા અને પડખાઓ અને પીઠોને ડામવામાં આવશે (તેમને કહેવામાં આવશે) આ છે જેને તમે પોતાના માટે ખજાનો બનાવીને રાખ્યો હતો, તો પોતાના ખજાનાઓનો સ્વાદ ચાખો.
(૩૬) મહિનાઓની ગણતરી અલ્લાહના નજદીક અલ્લાહની કિતાબમાં બાર છે, તે દિવસથી જયારથી તેણે આકાશો અને ધરતીને પેદા કર્યા છે, તેમાંથી ચાર હુરમત અને ઈજ્જતના છે,[1] આ જ પવિત્ર દિવસો છે,[2] તમે આ મહિનાઓમાં પોતાના ઉપર જુલમ ન કરો, અને તમે બધા મુશરિકોથી જિહાદ કરો, જેવા કે તેઓ તમારા બધાથી લડે છે અને જાણી લો કે અલ્લાહ (તઆલા) પરહેઝગારો (સંયમીઓ)ના સાથે છે.
(૩૭) મહિનાઓનું આગળ-પાછળ કરી દેવું કુફરને વધારવું છે[1] તેનાથી તેઓને ગુમરાહ કરવામાં આવે છે જેઓ કાફિર છે, એક વર્ષ તેને હલાલ કરી લે છે અને એક વર્ષ તેને હરામ બનાવી લે છે, કે જેથી અલ્લાહે જે હરામ રાખેલ છે તેની ગણતરીમાં સમાનતા થઈ જાય, પછી જેને હરામ કરેલ છે તેને હલાલ બનાવી લે, તેમના બૂરા કામો તેમને સારા દેખાડી દેવામાં આવ્યા અને અલ્લાહ કાફિરોને હિદાયત નથી આપતો. (ع-૫)