(૮૫) અને આ લોકો તમને રૂહ વિશે પૂછે છે (તમે) જવાબ આપો કે, “રૂહ મારા રબના હુકમથી છે અને તમને જે ઈલ્મ આપવામાં આવ્યુ છે તે ખૂબ ઓછું છે.”[1]
(૮૬) અને જો અમે ઈચ્છીએ તો જે વહી તમારા તરફ અમે ઉતારી છે તે બધી લઈ લઈએ, પછી તમને તેના માટે અમારા સામે કોઈ પણ મદદગાર નહિ મળી શકે.
(૮૭) સિવાય તમારા રબની કૃપાના, બેશક તમારા ઉપર તેની ઘણી મોટી કૃપા છે.
(૮૮) કહી દો કે, “જો તમામ મનુષ્યો અને જિન્નાતો મળીને આ કુરઆન બરાબર લાવવા ચાહે તો તે બધાથી આના જેવું લાવવું મુશ્કેલ છે, ભલેને તેઓ પરસ્પર એકબીજાના મદદગાર પણ બની જાય.”
(૮૯) અને અમે તો આ કુરઆનમાં લોકોને સમજવા માટે દરેક પ્રકારના ઉદાહરણોનું વર્ણન કરી દીધું છે, પરંતુ મોટાભાગના લોકો ઈન્કાર કરવાથી રોકાતા નથી.
(૯૦) અને તેમણે કહ્યું કે, “અમે તમારા પર કદી પણ ઈમાન લાવવાના નથી જ્યાં સુધી તમે અમારા માટે ધરતીમાંથી પાણીનો સ્ત્રોત ન વહેવડાવી દો.
(૯૧) અથવા તમારા પોતાના માટે કોઈ બાગ હોય ખજુર અને દ્રાક્ષનો અને તેના વચ્ચે તમે ઘણી બધી નહેરો વહેવડાવી દો.
(૯૨) અથવા તમે આકાશને અમારા પર ટુકડે ટુકડા કરીને પાડી દો, જેવો કે તમારો ખયાલ છે, અથવા તમે પોતે અલ્લાહ (તઆલા)ને અને ફરિશ્તાઓને અમારા સામે રૂબરૂ લાવીને ઊભા કરી દો.
(૯૩) અથવા તમારા પોતાના માટે કોઈ સોનાનું ઘર થઈ જાય અથવા તમે આકાશ પર ચઢી જાવ અને અમે તો તમારા ચઢી જવાને પણ તે સમય સુધી વિશ્વાસ નહિ કરીએ જ્યાં સુધી કે તમે અમારા પર કોઈ કિતાબ ન ઉતારી લાવો જેને અમે જાતે વાંચી લઈએ.” તમે જવાબ આપો કે, “મારો રબ પવિત્ર છે હું તો એક મનુષ્ય છું, જે રસૂલ બનાવવામાં આવ્યો છું.” (ع-૧૦)