(૪૫) શું તમે જોયું નહિ કે તમારા રબે પડછાયાને કેવી રીતે ફેલાવી દીધો છે ?[1] જો તે ચાહતો તો તેને સ્થાયી કરી દેતો, પછી અમે સૂરજને તેના પર દલીલ બનાવ્યો.
(૪૬) પછી અમે તેને ધીમે ધીમે પોતાના તરફ ખેંચી લીધો.
(૪૭) અને તે જ છે જેણે રાત્રિને તમારા માટે પોશાક બનાવી અને ઊંઘને શાંતિમય બનાવી, અને દિવસને ઊભા થવાનો સમય.
(૪૮) અને તે જ છે જે કૃપાના વરસાદ પહેલા ખુશખબર આપવાવાળી હવાઓને મોકલે છે અને અમે આકાશમાંથી સ્વચ્છ પાણી વરસાવીએ છીએ.
(૪૯) જેથી તેના વડે મૃતપાય ધરતીને જીવન પ્રદાન કરીએ અને તેને અમે પોતાની સૃષ્ટિમાંથી ઘણા જાનવરો અને મનુષ્યોને પીવડાવીએ છીએ.
(૫૦) અને બેશક અમે આને તેમના વચ્ચે ઘણા પ્રકારે વર્ણન કરીએ છીએ જેથી તેઓ નસીહત પ્રાપ્ત કરે, પરંતુ પછી પણ મોટાભાગના લોકો ઈન્કાર કર્યા સિવાય માનતા નથી.
(૫૧) અને જો અમે ઈચ્છતા તો દરેક વસ્તીમાં એક-એક ડરાવનાર મોકલી દેતા.
(૫૨) તો તમે કાફિરોનું કહ્યું ન કરો અને કુરઆન વડે તેમના સાથે પૂરી શક્તિથી જિહાદ કરો.
(૫૩) અને તે જ છે જેણે બે સમુદ્રોને પરસ્પર જોડી રાખ્યા છે, એક છે મીઠો અને સ્વાદિષ્ટ અને બીજો છે ખારો અને કડવો,[1] અને આ બંને વચ્ચે એક પડદો અને મજબૂત આડ કરી દીધી.
(૫૪) અને તે જ છે જેણે પાણીથી મનુષ્યને પેદા કર્યો પછી તેને વંશવાળો અને સાસરી પક્ષના સંબંધવાળો કરી દીધો,[1] બેશક તમારો રબ દરેક વસ્તુ પર શક્તિમાન છે.
(૫૫) અને આ લોકો અલ્લાહને છોડી એમની બંદગી કરે છે જેઓ ન તો તેમને કોઈ ફાયદો પહોંચાડી શકે ન કોઈ નુકસાન પહોંચાડી શકે, કાફિરો તો છે જ પોતાના રબના વિરુધ્ધ (શેતાન)ની મદદ કરનારા.
(૫૬) અને અમે તો તમને ખુશખબર અને ચેતવણી આપનાર (નબી) બનાવીને મોકલ્યા છે.
(૫૭) કહી દો કે, “હું (કુરઆનને પહોંચાડવા પર) તમારા પાસે કોઈ મહેનતાણું નથી માંગતો પરંતુ જે મનુષ્ય પોતાના રબ તરફ માર્ગ પકડવા ચાહે.”
(૫૮) અને તે હંમેશા રહેવાવાળા અલ્લાહ (તઆલા) પર સંપૂર્ણ યકીન કરો જેને કદી મૃત્યુ નથી અને તેની પ્રશંસા સાથે પવિત્રતાનું વર્ણન કરતા રહો, તે પોતાના બંદાઓના ગુનાહોને સારી રીતે જાણે છે.
(૫૯) તે જ છે જેણે આકાશો અને ધરતી અને તેના વચ્ચેની વસ્તુઓને છ દિવસમાં પેદા કરી દીધી, પછી અર્શ પર બુલંદ થયો, તે રહમાન છે, તમે તેના વિશે કોઈ જાણકારને પૂછી લો.
(૬૦) અને આ લોકોને જયારે પણ કહેવામાં આવે છે કે દયાળુ (રહમાન) ને સિજદો કરો, તો તેઓ કહે છે કે રહમાન છે શું ? શું અમે તેને સિજદો કરીએ જેનો તું અમને હુકમ આપી રહ્યો છે ? અને (આ આમંત્રણથી) તેમની નફરત જ વધે છે. (ع-૫) {સિજદો-૮}