(૨૦) શું તમે જોતા નથી કે અલ્લાહ (તઆલા) એ ધરતી અને આકાશની દરેક વસ્તુને તમારી સેવામાં લગાવી રાખી છે અને તમારા પર પોતાની ખુલી અને છૂપી ને'મત પૂરી રીતે કરી રાખી છે ? અને કેટલાક લોકો અલ્લાહના વિશે ઝઘડો કરે છે વગર કોઈ ઈલ્મના, વગર કોઈ હિદાયતના અને વગર કોઈ સ્પષ્ટ કિતાબના.
(૨૧) અને જ્યારે તેમને કહેવામાં આવે છે કે અલ્લાહ (તઆલા)ની મોકલવામાં આવેલી વહી (ઈશવાણી) નું અનુસરણ કરો, તો કહે છે કે અમે તો જે માર્ગ પર અમારા બાપ-દાદાઓને જોયા છે તેનું જ અનુસરણ કરીશું, ભલેને શેતાન તેમના બાપ-દાદાઓને જહન્નમના અઝાબ તરફ બોલાવતો હોય.
(૨૨) અને જે મનુષ્ય પોતાના ચહેરાને (પોતાને) અલ્લાહના તાબે કરી દે અને તે હોય પણ પરહેઝગાર, તો બેશક તેણે મજબૂત સહારો પકડી લીધો, તમામ કર્મોનો ફેંસલો અલ્લાહ તરફ જ છે.
(૨૩) અને કાફિરોના કુફ્રથી તમે દુઃખી ન થાઓ, છેવટે તે બધાનું પલટવું અમારા તરફ જ છે, તે દિવસે અમે તેમને બતાવીશું જે કંઈ તેઓ કરતા હતા. બેશક અલ્લાહ દિલોના ભેદ સુદ્ધાં જાણે છે.
(૨૪) અમે તેમને આમ જ થોડો ફાયદો પહોંચાડી દઈએ છીએ, પરંતુ અંતમાં અમે તેમને ઘણી મજબૂરીની હાલતમાં સખત અઝાબ તરફ ઢાંકીને લઈ જઈશું.
(૨૫) અને જો તમે એમને પૂછશો કે આકાશો અને ધરતીને પેદા કરવાવાળો કોણ છે ? તો તેઓ જરૂર જવાબ આપશે કે 'અલ્લાહ', તો કહી દો કે તમામ પ્રશંસાના લાયક અલ્લાહ જ છે, પરંતુ એમનામાંથી મોટાભાગના લોકો અજાણ છે.
(૨૬) આકાશોમાં અને ધરતીમાં જે કંઈ છે તે બધું અલ્લાહનું જ છે, બેશક અલ્લાહ (તઆલા) બેનિયાઝ (અપેક્ષા રહિત) અને પ્રશંસાને પાત્ર છે.
(૨૭) અને જો ધરતી પરના તમામ વૃક્ષો કલમ બની જાય અને તમામ સમુદ્રો શાહી બની જાય, અને તેના પછી સાત સમુદ્રો બીજા હોય તો પણ અલ્લાહની પ્રશંસા ખતમ નથી થઈ શકતી,[1] બેશક અલ્લાહ (તઆલા) પ્રભુત્વશાળી અને હિકમતવાળો છે.
(૨૮) તમારા બધાની પેદાઈશ અને મૃત્યુ પછી જીવતા કરવું બસ એવું જ છે જાણે કે એક જીવનું, બેશક અલ્લાહ (તઆલા) બધુંજ સાંભળનાર અને જોનાર છે.
(૨૯) શું તમે જોતા નથી કે અલ્લાહ (તઆલા) રાતને દિવસમાં અને દિવસને રાતમાં પરોવી દે છે ?[1] સૂર્ય અને ચંદ્રને તેણે જ આજ્ઞાંકિત બનાવી રાખ્યા છે, કે દરેક એક નિર્ધારિત સમય સુધી ચાલતો રહે, અલ્લાહ (તઆલા) તે દરેક કાર્યોને જાણે છે જે તમે કરો છો.
(૩૦) આ બધું એટલા માટે કે અલ્લાહ (તઆલા) જ સત્ય છે અને તેના સિવાય જેને-જેને આ લોકો પોકારે છે તે બધા જૂઠા છે, અને બેશક અલ્લાહ (તઆલા) ખૂબ ઉચ્ચ અને મહાન છે. (ع-૩)