(૩૮) અને તે ઈમાનવાળા માણસે કહ્યું કે, “હે મારી કોમના લોકો! તમે (બધા) મારૂ અનુસરણ કરો, હું ભલાઈના માર્ગ પર તમારૂ માર્ગદર્શન કરીશ.[1]
(૩૯) હે મારી કોમના લોકો! આ દુનિયાની જિંદગી નાશ થવાનો સામાન છે. (વિશ્વાસ રાખો કે સલામતી) અને કાયમી ઠેકાણું તો આખિરત (પરલોક) જ છે.
(૪૦) જેણે બૂરાઈ કરી છે તેને તેટલો જ બદલો મળશે અને જેણે ભલાઈ કરી છે ચાહે તે પુરૂષ હોય કે સ્ત્રી અને તે ઈમાનવાળો હોય, તો આ લોકો[1] જન્નતમાં જશે અને જ્યાં તેમને બેહિસાબ રોજી આપવામાં આવશે.
(૪૧) અને હે મારી કોમના લોકો! આ શું વાત છે કે હું તમને છૂટકારા (મોક્ષ) તરફ બોલાવી રહ્યો છું અને તમે મને જહન્નમ તરફ બોલાવી રહ્યા છો ?
(૪૨) તમે મને એ વાતનું આમંત્રણ આપી રહ્યા છો કે હું અલ્લાહ સાથે કુફ્ર કરૂ અને તેના સાથે તે હસ્તીઓને ભાગીદાર બનાવું જેનું મને કોઈ ઈલ્મ નથી, જ્યારે કે હું તમને જબરજસ્ત માફ કરનાર (મા'બૂદ) તરફ આમંત્રણ આપી રહ્યો છું.
(૪૩) આ વાત નિશ્ચિત છે કે તમે મને જેમના તરફ આમંત્રણ આપી રહ્યા છો તે તો ન દુનિયામાં પોકારવાને લાયક છે અને ન આખિરતમાં, અને એ (પણ ચોક્કસ વાત છે) કે આપણે બધાએ અલ્લાહ તરફ પાછા ફરવાનું છે અને હદથી વધી જનારા બેશક જહન્નમવાળાઓ છે.
(૪૪) તો આગળ જઈને તમે મારી વાતોને યાદ કરશો, હું મારો (પોતાનો) મામલો અલ્લાહના હવાલે કરૂ છું, બેશક અલ્લાહ (તઆલા) બંદાઓને જોવાવાળો છે.
(૪૫) તો તેને અલ્લાહ (તઆલા)એ તમામ બૂરાઈઓથી બચાવી લીધો જેને તે લોકોએ વિચારી રાખી હતી, અને ફિરઔનના સાથીઓ ઉપર સૌથી ખરાબ અઝાબ તૂટી પડ્યો.
(૪૬) આગ છે જેના સામે આ લોકોને દરરોજ સવાર-સાંજ લાવવામાં આવે છે,[1] અને જે દિવસે કયામતની ઘડી આવી જશે (આદેશ થશે કે) ફિરઔનના સાથીઓને ખૂબ જ સખત અઝાબમાં નાખો.[2]
(૪૭) અને જ્યારે તેઓ જહન્નમમાં એકબીજા સાથે ઝઘડશે, તો કમજોર લોકો મોટા લોકોને (જેમના તાબા હેઠળ તેઓ હતા) કહેશે કે, “અમે તો તમારા પેરોકાર હતા, તો શું હવે તમે અમારાથી આ આગનો કોઈ હિસ્સો દૂર કરી શકો છો ?
(૪૮) તે મોટા લોકો જવાબ આપશે કે, “અમે તો બધા આ આગમાં છીએ, અલ્લાહ (તઆલા) પોતાના બંદાઓના વચ્ચે ફેંસલો કરી ચૂક્યો છે.”
(૪૯) અને તમામ જહન્નમવાસીઓ (ભેગા થઈને) જહન્નમના રક્ષકોને કહેશે કે, “તમે જ પોતાના રબથી દુઆ કરો કે તે કોઈક દિવસે પણ અમારી સજામાં ઘટાડો કરી દે.”
(૫૦) તેઓ જવાબ આપશે કે, “શું તમારા પાસે તમારા રસૂલ સ્પષ્ટ નિશાનીઓ લઈને આવ્યા ન હતા ?” તેઓ કહેશે, “કેમ નહીં” (રક્ષકો) કહેશે કે, “તો પછી તમે જ દુઆ કરો અને કાફિરોની દુઆ (બેઅસર અને) બેકાર છે.” (ع-૫)