(૨૭) કાફિરો ક્હે છે કે, “આમના પર તેમના રબ તરફથી કોઈ નિશાની કેમ નથી ઉતારવામાં આવી?'' જવાબ આપો કે, “જેને અલ્લાહ ભટકાવવા ચાહે તેને ભટકાવી દે છે અને જે તેના તરફ ઝૂકે છે તેને રસ્તો દેખાડી દે છે.”
(૨૮) જે લોકો ઈમાન લાવ્યા તેમના દિલ અલ્લાહને યાદ કરવાથી શાંતિ પ્રાપ્ત કરે છે, યાદ રાખો કે અલ્લાહની યાદથી જ દિલોને શાંતિ પ્રાપ્ત થાય છે.
(૨૯) જે લોકો ઈમાન લાવ્યા અને જેમણે નેક કામ કર્યા તેમના માટે ખુશહાલી છે,[1] અને સૌથી સારું ઠેકાણું છે.
(૩૦) આ રીતે અમે તમને તે ઉમ્મતમાં મોકલ્યા છે જેના અગાઉ ઘણી ઉમ્મત પસાર થઈ ચૂકી છે, કે તમે તેમને અમારા તરફથી જે વહી તમારા પર ઉતારી છે તેને પઢીને સંભળાવી દો, આ અલ્લાહ મહેરબાનનો ઈન્કાર કરવાવાળાઓ છે,[1] (તમે) કહી દો કે, “મારો રબ તો તે જ છે, બેશક તેના સિવાય કોઈ બંદગીના લાયક નથી, તેના ઉપર જ મારો ભરોસો છે અને તેના તરફ મારું પલટવું છે.”
(૩૧) અને જો (માની લેવામાં આવે કે) કુરઆન વડે પહાડ ચલાવી દેવામાં આવતા અથવા ધરતી ટુકડે ટુકડા કરી દેવામાં આવતી અથવા મડદાઓ સાથે વાત કરાવી દેવામાં આવતી (પછી પણ તેઓ ઈમાન ન લાવતા) વાત એ છે કે તમામ કામો અલ્લાહના અધિકારમાં છે તો શું ઈમાનવાળાઓનું એ વાત પર દિલ માનતુ નથી કે જો અલ્લાહ (તઆલા) ચાહે તો તમામ લોકોને હિદાયત આપી દે. કાફિરોને તેમના કુફ્રના બદલામાં હંમેશા કોઈને કોઈ સખત સજા પહોંચતી રહેશે અથવા તેમના ઘરોની આસપાસ ઊતરતી રહેશે, ત્યાં સુધી કે અલ્લાહનો વાયદો આવી પહોંચે, બેશક અલ્લાહ (તઆલા) વાયદાને તોડતો નથી.(ع-૪)