(૨૬) તેમનાથી પહેલાના લોકોએ પણ દગાબાજીઓ કરી હતી, (અંતે) અલ્લાહે તેમના (દગાબાજીઓના) ઘરોને જડથી ઉખાડી દીધા અને તેની છત ઉપરથી તેમના માથા પર આવીને પડી અને તેમના પાસે ત્યાંથી અઝાબ આવી ગયો જ્યાંથી તેમને કલ્પના પણ ન હતી.
(૨૭) પછી કયામતના દિવસે પણ અલ્લાહ (તઆલા) તેમને અપમાનિત કરશે અને કહેશે કે, “મારા તે ભાગીદારો ક્યાં છે જેના વિશે તમે લડતા-ઝઘડતા હતા ? ” જેમને ઈલ્મ આપવામાં આવ્યુ હતું તેઓ જવાબ આપશે કે, “આજે તો કાફિરોને અપમાન અને બૂરાઈ ચીટકી ગઈ.”
(૨૮) તે લોકો જેઓ પોતાની જાનો પર જુલમ કરે છે, જ્યારે ફરિશ્તાઓ તેમનો જીવ કાઢવા લાગે છે તો તે સમયે તેઓ ઝૂકી જાય છે કે અમે બૂરાઈ કરતા ન હતા, કેમ નહિ ? અલ્લાહ (તઆલા) સારી રીતે જાણે છે જે કંઈ તમે કરતા હતા.
(૨૯) તો હવે તમે હંમેશાના માટે જહન્નમના દરવાજાઓ (થી જહન્નમ) માં પ્રવેશ કરો,[1] તો કેવી ખરાબ જગ્યા છે ઘમંડ કરનારાઓના માટે.
(૩૦) અને પરહેઝગારોને પૂછવામાં આવે છે કે તમારા રબે શું ઉતાર્યું છે ? તો તેઓ જવાબ આપે છે કે, “સારામાં સારું” જે લોકોએ નેક કામ કર્યા તેમના માટે આ દુનિયામાં ભલાઈ છે અને બેશક આખિરતનું ઘર તો ઘણું સારું છે અને કેવું સારું પરહેઝગારોનું ઘર છે.
(૩૧) હંમેશા રહેનારા બાગમાં તે લોકો જશે જેના નીચે નહેરો વહી રહી છે, જેની તેઓ માંગણી કરશે ત્યાં તેમના માટે હાજર હશે, પરહેઝગારોને અલ્લાહ આવી જ રીતે બદલો આપે છે.
(૩૨) તેઓ જેમનો જીવ ફરિશ્તાઓ એવી હાલતમાં કાઢે છે કે તેઓ પવિત્ર હોય, કહે છે કે, “તમારા માટે સલામતી જ સલામતી છે, જન્નતમાં જાઓ તમારા તે કર્મોના બદલામાં જે તમે કરતા હતા.”
(૩૩) શું આ લોકો એ જ વાતની રાહ જોઈ રહ્યા છે કે તેમના પાસે ફરિશ્તાઓ આવી પહોંચે અથવા તમારા રબનો હુકમ આવી જાય ? આવું જ તે લોકોએ પણ કર્યુ જે આમના પહેલા હતા, તેમના પર અલ્લાહ (તઆલા)એ કોઈ જુલમ નથી કર્યું, બલ્કે તેઓ પોતે પોતાની જાનો પર જુલમ કરતા રહ્યા.
(૩૪) તો તેમના બૂરા કામોનો બૂરો બદલો તેમને મળી ગયો અને તે વસ્તુએ તેમને ઘેરી લીધા જેનો મજાક ઉડાવતા હતા.[1] (ع-૪)