Surah Luqman

સૂરહ લૂકમાન

આયત : ૩૪ | રૂકૂ : ૪

સૂરહ લુકમાન (૩૧)

લુકમાન

સૂરહ લુકમાન મક્કામાં નાઝીલ થઇ (ઉતરી) હતી. આ સૂરહ માં ચોત્રીસ (૩૪) આયતો અને ચાર (૪) રૂકૂઅ છે.

હજરત લુકમાન અલ્લાહના પરહેઝગાર બંદા હતા, જેમને અલ્લાહે બુદ્ધિ, હિકમત અને ધાર્મિક મામલાઓમાં ઊચું સ્થાન પ્રદાન કર્યુ હતું, તેમને કોઈએ પૂછ્યું કે તમને આ જ્ઞાન અને બુદ્ધિ કેવી રીતે પ્રાપ્ત થઈ, તેમણે ફરમાવ્યું, “સીધા માર્ગ પર રહેવા, ઈમાનદારીને અપનાવવા, બેકાર વાતોથી બચવા અને ખામોશ રહેવાના કારણે.” તે ગુલામ હતા, તેમના માલિકે કહ્યું કે બકરી ઝબહ કરીને તેના સૌથી સારા બે ભાગ લાવો, અંતે તે જીભ અને દિલ કાઢીને લઈ ગયા. એકબીજા મોકા પર માલિકે તેમને કહ્યું કે બકરી ઝબહ કરીને તેના સૌથી ખરાબ બે ભાગ લાવો, તે ફરીથી જીભ અને દિલ લઈને ગયા, પૂછવા પર તેમણે બતાવ્યું કે જીભ અને દિલ જો ઠીક હોય તો સૌથી બહેતર છે અને જો બગડી જાય તો તેનાથી ખરાબ કોઈ વસ્તુ નથી. (ઈબ્ને કસીર)