અલ્લાહના નામથી શરૂ કરુ છું જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
(૧) અય ઈમાનવાળાઓ! વચનોને પૂરા કરો, તમારા માટે ચોપાયા જાનવર હલાલ કરી દેવામાં આવ્યા છે[1] તેમના સિવાય જે તમને પઢીને સંભળાવવામાં આવશે, પરંતુ અહેરામની હાલતમાં શિકાર ન કરો, બેશક અલ્લાહ જે ઈચ્છે છે હુકમ આપે છે.
(૨) અય ઈમાનવાળાઓ! અલ્લાહની નિશાનીઓનો અનાદર ન કરો, ન અદબવાળા મહિનાઓનો,[2] ન કુરબાની માટે હરમ સુધી લઈ જવામાં આવતા અને પટ્ટા પહેરાવેલા જાનવરોનો[3], ન ઈજ્જતવાળા ઘર (કા'બા) તરફ જઈ રહેલા લોકોનો, જેઓ અલ્લાહની રહમત અને પ્રસન્નતાને શોધી રહ્યા છે, અને જ્યારે અહેરામ ખોલો તો પછી શિકાર કરી શકો છો, અને જેમણે તમને મસ્જિદે હરામથી રોક્યા તેમની દુશ્મની તમને હદોને પાર કરી જવા પર તૈયાર ન કરે, અને નેકી તથા પરહેઝગારી પર પરસ્પર મદદ કરો, ગુનાહ અને જુલમમાં મદદ ન કરો અને અલ્લાહથી ડરતા રહો, બેશક અલ્લાહ સખત સજા આપવાવાળો છે.
(૩) તમારા પર હરામ કરી દેવામાં આવ્યા છે મુરદાર, અને લોહી, અને સુવ્વરનું માંસ અને જેના પર અલ્લાહના સિવાય બીજાઓના નામ પોકારવામાં આવ્યા હોય,[4] અને ગળુ ટૂંપાઈને મરે,[5] કે વાગવાથી મરે,[6] કે ઊંચેથી પડીને મરે,[7] કે બીજા જાનવરના શિંગડાના પ્રહારથી મરે,[8] અને જેનો કેટલોક ભાગ હિંસક પશુએ ખાઈ લીધો હોય,[9] પરંતુ જેને તમે ઝબેહ કરી લીધું,[10] અને જે થાનકો ૫૨ ઝબેહ કરવામાં આવે અને પાસા (લોટરી)ના જરીએ વહેંચણી કરવી, આ બધા ઘણા મોટા ગુનાહ છે. આજે કાફિરો તમારા ધર્મ તરફથી નિરાશ થઈ ગયા, એટલા માટે તેમનાથી ન ડરો ફક્ત મારાથી ડરો, આજે મેં તમારા માટે તમારા ધર્મને સંપૂર્ણ કરી દીધો અને તમારા પર મારી ને’મત પરિપૂર્ણ કરી દીધી અને તમારા માટે ઈસ્લામ ધર્મને પસંદ કરી લીધો, પરંતુ જે ભૂખથી બેચેન થઈ જાય અને કોઈ ગુનોહ કરવાનો ઈરાદો ન હોય તો બેશક અલ્લાહ માફ કરવાવાળો, ઘણો મહેરબાન છે.[11]
(૪) તેઓ તમારાથી પૂછે છે કે તેમના માટે શું, (ખાવું) જાઈઝ છે તમે કહી દો કે તમારા માટે પવિત્ર વસ્તુઓ જાઈઝ છે, અને તે શિકારી જાનવર જે તમે પાળી રાખ્યા હોય જેમને કેટલીક વાતો શીખવો છો જે અલ્લાહે તમને શીખવાડી, તો જો તમારા માટે તે (શિકાર)ને દબાવી રાખે અને તેને છોડતી વખતે અલ્લાહનું નામ તેના ૫૨ લો તો તેને (શિકારને) ખાઓ,[12] અને અલ્લાહથી ડરો, બેશક અલ્લાહ જલ્દી હિસાબ લેવાવાળો છે.
(૫) આજે બધી પવિત્ર વસુઓ તમારા માટે હલાલ કરી દેવામાં આવી અને કિતાબવાળાઓનો ખોરાક તમારા માટે હલાલ છે[13] અને તમારો ખોરાક તેમના માટે જાઈઝ છે, અને પાક દામન મુસલમાન સ્ત્રીઓ અને જેમને તમારાથી પહેલા કિતાબ આપવામાં આવી તેમનામાંથી પાક દામન સ્ત્રીઓ[14] જયારે તમે તેમની મહેર આપી દો, નિકાહ કરીને બદકારી માટે નહિ અને ન ગુપ્ત પ્રેમી બનાવવા માટે, અને જે ઈમાનનો ઈન્કાર કરી દે તેનો કર્મ બેકાર થઈ ગયો, અને તે આખિરતમાં નુકસાનમાં રહેશે. (ع-૧)