(૧૨૭) તેઓ સ્ત્રીઓના વિષે તમને પ્રશ્ન કરે છે તમે કહી દો કે અલ્લાહ પોતે તમને તેમના વિષે હુકમ આપે છે અને જે કંઈ કિતાબ (કુરઆન)માં તમારી સામે પઢવામાં આવે છે, તે અનાથ સ્ત્રીઓના વિષે જેમને તમે તેમનો અધિકાર નથી આપતા, અને તેમનાથી નિકાહ કરવા ઈચ્છો છો, અને કમજોર બાળકોના વિષે અને એ કે તમે અનાથોના વિષે ન્યાય કરો, અને તમે જે પણ નેક કામ કરશો અલ્લાહ તેને સારી રીતે જાણનાર છે.
(૧૨૮) અને જો કોઈ સ્ત્રીને પોતાના પતિના દુર્વ્યવહાર અને ઉપેક્ષાનો ડર હોય તો બંનેએ પરસ્પર સુલેહ કરી લેવામાં કોઈ બૂરાઈ નથી[89] અને સુલેહ બહેતર છે, અને લાલચ દરેકના મનમાં સામેલ કરી દેવામાં આવી છે, અને જો તમે અહેસાન કરો અને તકવો અપનાવો તો અલ્લાહ તમારા કરતૂતોથી વાકેફ છે.
(૧૨૯) અને તમે પત્નિઓ વચ્ચે ક્યારેય ન્યાય કરી શકો નહિં, ભલેને તેની ઈચ્છા રાખો, એટલા માટે તમે (એકની તરફ) પૂરી રીતે ન ઝૂકી જાઓ કે બીજીને અધ્ધર લટકતી છોડી દો, અને જો તમે સુધાર કરી લો અને (અન્યાયથી) બચો તો બેશક અલ્લાહ દરગુજર કરનાર, મહેરબાન છે.
(૧૩૦) અને જો બંને છૂટા પડી જાય તો અલ્લાહ પોતાની રહમતથી બંનેને બેપરવાહ કરી દેશે, અને અલ્લાહ કુશાદગી (વિશાળતા)વાળો, હિકમતવાળો છે.
(૧૩૧) અને આકાશો અને ધરતીમાં જે કંઈ છે તે બધું અલ્લાહનું જ છે અને અમે તમારાથી પહેલાના લોકો જેમને કિતાબ આપવામાં આવી, તેઓને અને તમોને એ જ હુકમ આપવામાં આવ્યો કે અલ્લાહથી ડરો અને જો તમે ન માનો તો બેશક જે કંઈ આકાશો અને ધરતીમાં છે બધું અલ્લાહનું જ છે અને અલ્લાહ બેનિયાઝ, તમામ પ્રશંસાનો અધિકારી છે.
(૧૩૨) અને જે કઈ પણ આકાશોમાં અને ધરતીમાં છે બધું અલ્લાહનું છે અને અલ્લાહ કામ બનાવવા માટે પૂરતો છે.
(૧૩૩) હે લોકો! જો તે ઈચ્છે તો તમને બધાને લઈ જાય અને બીજાને લઈ આવે, અને અલ્લાહ આના પર સંપૂર્ણ કુદરત ધરાવનાર છે.
(૧૩૪) જે વ્યક્તિ દુનિયાનો બદલો ઈચ્છે, તો (યાદ રાખો કે) અલ્લાહની પાસે દુનિયા અને આખિરત (બંનેનો) બદલો હાજર છે અને અલ્લાહ સાંભળનાર, જોનાર છે. (ع-૧૯)