Surah Al-Inshiqaq
સૂરહ અલ-ઈન્શિકાક
સૂરહ અલ-ઈન્શિકાક
સૂરહ અલ-ઈન્શિકાક (૮૪)
વિભાજન (ફાટી જવું)
સૂરહ અલ-ઈન્શિકાક મક્કામાં નાઝીલ થઇ (ઉતરી) હતી. આ સૂરહ માં પચ્ચીસ (૨૫) આયતો અને એક (૧) રૂકૂઅ છે.
સંપૂર્ણ સૂરહની તિલાવત સાંભળવા માટે નીચે આપલે Play બટન પર ક્લિક કરો.
અલ્લાહના નામથી શરૂ કરુ છું જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
(૧) જ્યારે આકાશ ફાટી જશે.
(૨) અને પોતાના રબના હુકમને કાન લગાવીને સાંભળશે અને તે આના જ લાયક છે.
(૩) અને ધરતીને (ખેંચીને) ફેલાવી દેવામાં આવશે.
(૪) અને તેમાં જે કંઈ છે તેને બહાર કાઢી નાંખશે અને ખાલી થઈ જશે.[1]
(૫) અને પોતાના રબના હુકમ પર કાન ધરશે અને તે આના જ લાયક છે.
(૬) હે મનુષ્ય ! તું પોતાના રબને મળવા સુધી આ કોશિશ અને બધા જ કામ તથા મહેનત કરીને તેનાથી મુલાકાત કરવાવાળો છે.
(૭) તો તે સમયે જે વ્યક્તિના જમણા હાથમાં કર્મપોથી આપવામાં આવશે.
(૮) તેનો હિસાબ તો ખૂબ જ આસાનીથી લેવામાં આવશે.[2]
(૯) અને તે પોતાના પરિવારવાળાઓ તરફ ખુશ થઈ પાછો ફરશે.
(૧૦) પરંતુ જે વ્યક્તિની કર્મપોથી પીઠ પાછળથી આપવામાં આવશે.
(૧૧) તો તે મોતને બોલાવવા લાગશે.
(૧૨) અને ભડકે બળતી જહન્નમમાં દાખલ થશે.
(૧૩) તે વ્યક્તિ પોતાના પરિવારમાં (સંસારમાં) ખુશ હતો.
(૧૪) તે સમજતો હતો કે તેને (અલ્લાહના તરફ) ક્યારેય પાછા ફરવાનું નથી.
(૧૫) આ કેવી રીતે થઈ શકે છે, જયારે કે તેનો રબ તેને સારી રીતે જોઈ રહ્યો હતો.
(૧૬) મને સંધ્યાની લાલિમાના સોગંદ![3]
(૧૭) અને રાત્રિના તથા તેની ભેગી થયેલી વસ્તુઓના સોગંદ !
(૧૮) અને પૂરા ચંદ્રના સોગંદ ![4]
(૧૯) બેશક તમે એક સ્થિતિમાંથી બીજી સ્થિતિમાં પહોંચશો.[5]
(૨૦) આ લોકોને શું થઈ ગયુ છે કે ઈમાન નથી લાવતા.
(૨૨ ) બલ્કે જેમણે ઈન્કાર કર્યો, તેઓ જૂઠાડી રહ્યા છે.
(૨૩) અને અલ્લાહ (તઆલા) સારી રીતે જાણે છે, જે કંઈ તેમના દિલોમાં રાખે છે.
(૨૪) તો આમને દર્દનાક અઝાબની ખુશખબર સંભળાવી દો.
(૨૫) પરંતુ ઈમાનવાળાઓ અને સદાચારીઓ (નેક લોકો)ને અખૂટ અને બેહિસાબ બદલો આપવામાં આવશે.(ع-૧)