(૧૧) તે સમયને યાદ કરો જયારે કે (અલ્લાહ તઆલા) તમારા ઉપર ઊંઘ પ્રસારી રહ્યો હતો, પોતાના તરફથી શાંતિ પ્રદાન કરવા માટે,[1] અને તમારા ઉપર આકાશમાંથી પાણી વરસાવી રહ્યો હતો કે આ પાણી વડે તમને પવિત્ર કરી દે અને તમારા ઉપરથી શેતાની શંકાઓ દૂર કરી દે, અને તમારા દિલોને મજબૂત કરી દે, અને તમારા કદમ જમાવી દે.
(૧૨) તે સમયને યાદ કરો, જ્યારે કે તમારો રબ ફરિશ્તાઓને હુકમ આપી રહ્યો હતો કે, “હું તમારા સાથે છું, એટલા માટે તમે ઈમાનવાળાઓની હિંમત વધારો, હું હમણા કાફિરોના દિલોમાં ડર નાખું છું, એટલા માટે તમે ગરદનો ઉપર ઘા કરો અને તેમના સાંધાઓ ઉપર ઘા કરો.”
(૧૩) આ એ વાતની સજા છે કે તે લોકોએ અલ્લાહ અને તેના રસૂલનો વિરોધ કર્યો અને જેઓ અલ્લાહ અને તેના રસૂલનો વિરોધ કરે છે તેમને અલ્લાહ તઆલા સખત સજા આપનાર છે.
(૧૪) તો આ સજાનો સ્વાદ ચાખો અને જાણી લો કે કાફિરો માટે આગની સજા નક્કી છે.
(૧૫) અય ઈમાનવાળાઓ! જ્યારે તમે કાફિરોથી મુકાબલો કરો તો તેમનાથી પીઠ ફેરવશો નહિં.[1]
(૧૬) અને જે વ્યક્તિ તેમનાથી તે મોકા ઉપર પીઠ ફેરવશે, પરંતુ જો કોઈ લડાઈ માટે દાવપેચ બદલતો હોય અથવા કોઈ પોતાના જૂથ તરફ શરણ લેવા આવતો હોય (તે વાત અલગ છે) બાકી જો બીજો આવું કરશે તો તે અલ્લાહના પ્રકોપને પામશે, અને તેનું ઠેકાણું જહન્નમ હશે અને તે ઘણું ખરાબ ઠેકાણું છે.
(૧૭) તો તમે તેમને કતલ નથી કર્યા, પરંતુ અલ્લાહ (તઆલા)એ તેમને કતલ કર્યા,[1] અને તમે (ધૂળની મુઠ્ઠી) નથી ફેંકી, પરંતુ અલ્લાહ (તઆલા)એ ફેંકી,[2] અને જેથી મુસલમાનોને પોતાના તરફથી તેમની કોશિશનો ઘણો મોટો બદલો આપે,[3] બેશક અલ્લાહ (તઆલા) બધું જ સાંભળનાર અને જાણનાર છે.
(૧૮) (એક વાત તો) આ થઈ (બીજી વાત એ છે) કે અલ્લાહ (તઆલા)ને કાફિરોની ચાલને નાકામ કરવી હતી.
(૧૯) જો તમે લોકો ફેંસલો ચાહો છો તો તે ફેંસલો તમારા સામે છે, અને જો અટકી જાઓ તો તમારા માટે ઘણું સારૂ છે અને જો તમે ફરીથી તે જ કામ કરશો તો અમે પણ ફરીથી તે જ કામ કરીશું અને તમારો જથ્થો તમને કામ નહિં આવે, ભલેને તે ગમે તેટલો વધારે હોય, તથા હકીકત વાત એ છે કે અલ્લાહ (તઆલા) ઈમાનવાળાઓના સાથે છે.(ع-૨)