અલ્લાહના નામથી શરૂ કરુ છું જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
(૧) અલિફ.લામ.મીમ.રા., આ કિતાબ (કુરઆન) ની આયતો છે અને જે કંઈ તમારા તરફ તમારા રબ તરફથી ઉતારવામાં આવ્યુ છે તે બધું સત્ય છે. પરંતુ મોટાભાગના લોકો ઈમાન લાવતા નથી (વિશ્વાસ નથી કરતા)
(૨) તે અલ્લાહ જ છે જેણે આકાશોને વગર સ્તંભોએ ઊંચા કરી રાખ્યા છે કે તમે તેને જોઈ રહ્યા છો, પછી તે અર્શ પર કાયમ છે,[1] તેણે જ સૂર્ય અને ચંદ્રને તાબે કરી રાખ્યા છે, બધા એક નિર્ધારિત સમય સુધી ચાલી રહ્યા છે. તે જ દરેક કામની વ્યવસ્થા કરી રહ્યો છે, તે પોતાની નિશાનીઓ ખોલી ખોલીને વર્ણન કરી રહ્યો છે કે જેથી તમે પોતાના રબને મળવાનું યકીન કરી લો.
(૩) અને તેણે જ ધરતીને ફેલાવીને બીછાવી દીધી અને તેમાં પહાડોને ખોસી દીધા અને નદીઓને પેદા કરી દીધી છે, અને તેમાં દરેક પ્રકારના ફળોની જોડીઓ પેદા કરી છે,[1] તે રાત્રિ વડે દિવસને છૂપાવે છે, બેશક આમાં જ ચિંતન-મનન કરનારાઓ માટે ઘણી બધી નિશાનીઓ છે.
(૪) અને ધરતીમાં ઘણા પ્રકારના ટુકડાઓ એકબીજા સાથે જોડાયેલા છે, અને દ્રાક્ષના બગીચા છે અને ખેતરો છે અને ખજુરોના વૃક્ષો છે શાખાઓવાળા અને કેટલાક એવા છે જે શાખાઓવાળા નથી, બધા એક જ પાણીથી સિંચવામાં આવે છે પછી પણ અમે ફળોમાં એકને બીજા પર શ્રેષ્ઠતા આપીએ છીએ, આમાં અકલમંદો માટે ઘણી બધી નિશાનીઓ છે.
(૫) અને જો તમને આશ્ચર્ય થાય તો હકીકતમાં તેમનું એવું કહેવું આશ્ચર્યજનક છે કે શું જ્યારે અમે માટી થઈ જઈશું તો શું અમે નવો જન્મ લઈશું ? આ તે લોકો છે જેમણે પોતાના રબ સાથે કુફ્ર કર્યુ અને આ જ તે લોકો છે જેમના ગળામાં ફંદા હશે અને આ જ લોકો જહન્નમમાં રહેનારા છે અને તેમાં હંમેશા રહેશે.
(૬) અને જેઓ તમારા પાસે બૂરાઈની જલ્દી માંગણી કરી રહ્યા છે ભલાઈના પહેલા જ, બેશક એમના પહેલા (ઉદાહરણ રૂપે) સજાઓ આવી ચૂકી છે અને બેશક તમારો રબ માફ કરવાવાળો છે લોકોના અનાયાસ જુલમ કરવા પર અને એ વાત નિશ્ચિત છે કે તમારો રબ કઠોર સજા આપવાવાળો પણ છે.
(૭) અને કાફિરો કહે છે કે, “આમના ઉપર એમના રબ તરફથી કોઈ નિશાની કેમ નથી ઉતારવામાં આવી ?” વાત એમ છે કે તમે તો ફક્ત ચેતવણી આપનાર છો અને દરેક કોમ માટે માર્ગદર્શન કરવાવાળા છો.[1] (ع-૧)