અલ્લાહના નામથી શરૂ કરુ છું જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
(૧) અલિફ. લામ. મીમ.
(૨) બેશક આ કિતાબનું ઉતારવું સમગ્ર સૃષ્ટિના રબ તરફથી છે.
(૩) શું આ લોકો કહે છે કે, “આ માણસે આને પોતે ઘડી લીધું છે ?”[1] નહિ, બલ્કે આ તમારા રબ તરફથી સત્ય છે, જેથી તમે તે કોમને સચેત કરો જેના પાસે તમારા પહેલા કોઈ સચેત કરનારા નથી[2] આવ્યા, કદાચ કે તેઓ સીધા માર્ગ પર આવી જાય.
(૪) તે અલ્લાહ (તઆલા) જ છે જેણે આકાશો અને ધરતીને અને જે કંઈ તેમના વચ્ચે છે તે તમામ વસ્તુઓને છ દિવસમાં પેદા કર્યા, પછી અર્શ પર બુલંદ થયો, તમારા માટે તેના સિવાય ન કોઈ મદદગાર છે અને ન કોઈ ભલામણ કરનાર,[1] શું પછી પણ તમે નસીહત પ્રાપ્ત કરતા નથી ?
(૫) તે આકાશથી ધરતી સુધીના મામલાઓની વ્યવસ્થા કરે છે, પછી (તે મામલાઓ) એક એવા દિવસમાં તેના તરફ ચઢે છે જેનો અંદાજો તમારી ગણત્રી મુજબ એક હજાર વર્ષના બરાબર છે.
(૬) તે જ પ્રત્યક્ષ અને પરોક્ષ (ગૈબ)નો જાણનાર, જબરજસ્ત અને ઘણો દયાળુ છે.
(૭) જે વસ્તુ પણ તેણે બનાવી ઉમદા બનાવી, તેણે મનુષ્યની પેદાઈશ માટીથી શરૂ કરી.[1]
(૮) પછી તેનો વંશ એક તુચ્છ પાણીના નિચોડથી બનાવ્યો.[1]
(૯) પછી તેને ઠીકઠાક કરી તેમાં પોતાની આત્મા (રૂહ) ફૂંકી, અને તેણે તમારા કાન, આંખો અને દિલ બનાવ્યા, (તેના પર પણ) તમે ખૂબ ઓછો આભાર માનો છો.
(૧૦) અને તેમણે કહ્યું, “જ્યારે અમે ધરતીમાં ભળી જઈશું તો શું નવેસરથી પેદા કરવામાં આવીશું ? ” બલ્કે (વાત એમ છે કે) આ લોકોને પોતાના રબની મુલાકાતનું યકીન જ નથી.
(૧૧) કહી દો કે, “તમને મૃત્યુનો ફરિશ્તો (યમદૂત) મારશે જે તમારા ઉપર નિયુક્ત કરેલો છે, પછી તમે બધા પોતાના રબ તરફ પાછા ફેરવવામાં આવશો.” (ع-૧)