(૧૧) અને અમે તમને પેદા કર્યા, પછી તમારી સૂરત બનાવી, પછી અમે ફરિશ્તાઓને કહ્યું કે, “આદમને સિજદો કરો”, તો બધાએ સિજદો કર્યો સિવાય ઈબ્લીસના, કે તે સિજદો કરનારાઓમાં સામેલ ન થયો.
(૧૨) (અલ્લાહે) પૂછ્યું કે, “જ્યારે મેં તને સિજદો કરવાનો હુકમ આપ્યો તો કયા કારણે તને સિજદો કરવાથી રોકી દીધો ?” તેણે કહ્યું, “હું તેનાથી બહેતર છું, તેં મને આગથી પેદા કર્યો અને તેને માટીથી પેદા કર્યો છે.” [1]
(૧૩) (અલ્લાહે) હુકમ આપ્યો કે, “તું આકાશ [1] થી ઉતર, તને કોઈ અધિકાર નથી કે આકાશમાં રહીને ઘમંડ કરે, એટલા માટે નીકળ, બેશક તું અપમાનિતોમાંથી છે. [2]
(૧૪) (શેતાને) કહ્યું કે, “મને (કયામત સુધી) મહેતલ આપ જ્યારે લોકોને ફરીથી જીવતા કરવામાં આવશે.”
(૧૫) (અલ્લાહે) ફરમાવ્યું કે “તને મહેતલ આપી દેવામાં આવી.”
(૧૬) (શેતાને) કહ્યું, “તારા મને ધિક્કારવાના કારણે હું. તેમના માટે તારા સીધા માર્ગ ઉપર બેસીશ.
(૧૭) પછી તેમના આગળ અને પાછળ તથા જમણે અને ડાબે એમ દરેક બાજુએથી હુમલો કરીશ [1] અને તું તેમનામાંથી વધારે પડતાને શુક્રગુજર નહિં જુએ.”
(૧૮) (અલ્લાહે) ફરમાવ્યું, “તું અહીંથી અપમાનિત થઈ નીકળી જા, જેઓ આમાંથી તારૂ અનુસરણ કરશે હું તે બધાથી જહન્નમને જરૂર ભરી દઈશ.”
(૧૯) અને (અમે કહ્યું કે) “હે આદમ! તમે અને તમારી પત્ની જન્નતમાં રહો, પછી જ્યાંથી ઈચ્છો ખાઓ, અને આ વૃક્ષની નજીક ન જતા નહિતર જાલિમોમાંથી થઈ જશો.” [1]
(૨૦) પછી શેતાને બંનેમાં વસવસો [1] પેદા કર્યો જેથી બંને માટે તેમની શર્મગાહોને જાહેર કરી દે, અને કહ્યું કે, “તમારા બંનેના રબે તમને આ વૃક્ષથી એટલા માટે રોક્યા છે કે ક્યાંક તમે બંને ફરિશ્તા ન બની જાઓ અથવા હંમેશા રહેનારા ન બની જાઓ.
(૨૧) તેણે તે બંનેના સામે સોગંદ ખાધા કે હું તમારા બંનેનો હિતેચ્છુ છું.
(૨૨) આ રીતે ધોખાથી બંનેને નીચે લાવ્યો, જેવો બંનેએ વૃક્ષનો સ્વાદ ચાખ્યો તો બંને માટે તેમની શર્મગાહો જાહેર થઈ ગઈ, અને તેઓ પોતાના ઉપર જન્નતના પાંદડાઓ ચિપકાવવા લાગ્યા અને તેમના રબે બંનેને પોકાર્યા, “શું મેં તમને બંનેને આ વૃક્ષથી રોક્યા ન હતા અને તમને નહોતું કહ્યું કે શેતાન તમારો ખુલ્લો દુશ્મન છે ?” [1]
(૨૩) બંનેએ કહ્યું, “અમારા રબ! અમે અમારા ઉપર જુલમ કર્યો, અને જો તું અમને માફ નહિ કરે અને અમારા ઉપર દયા નહિં કરે તો અમે નુક્સાન ઉઠાવનારાઓમાંથી થઈ જઈશું.”
(૨૪) (અલ્લાહે) ફરમાવ્યું, “તમે નીચે ઉતરો, તમે એકબીજાના દુશ્મન છો અને તમારે એક મુદ્દત સુધી ધરતીમાં રહેવાનું અને ફાયદો ઉઠાવવાનો છે.”
(૨૫) ફરમાવ્યું કે, “તમે તેમાં જ જિંદગી પસાર કરશો અને તેમાં જ મૃત્યુ પામશો અને તેમાંથી જ કાઢવામાં આવશો.” (ع-૨)