અલ્લાહના નામથી શરૂ કરુ છું જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
(૧) તમામ પ્રશંસા અલ્લાહના માટે જ છે જેણે પોતાના બંદા ઉપર આ કુરઆન ઉતાર્યુ અને તેમાં કોઈ કસર બાકી ન રાખી.
(૨) બલ્કે બધું જ ઠીક-ઠાક રાખ્યુ જેથી તે લોકોને અમારા પાસેની સખત સજાથી ચેતવી દે અને ઈમાન લાવનારા અને નેક કામો કરનારાઓને ખુશખબર સંભળાવી દે કે તેમના માટે ઉત્તમ બદલાઓ છે.
(૩) જેમાં તેઓ કાયમી રૂપે હંમેશા રહેશે.
(૪) અને તે લોકોને પણ ડરાવી દો જેઓ કહે છે અલ્લાહ (તઆલા) સંતાન ધરાવે છે.
(૫) હકીકતમાં ન તો તેમને પોતાને આ વાતનું ઈલ્મ છે ન તેમના બાપ-દાદાઓને, આ આરોપ ઘણો ખરાબ છે જે તેમના મોઢાંમાંથી નીકળી રહ્યો છે, તેઓ ફક્ત જૂઠ બોલી રહ્યા છે.
(૬) પછી જો આ લોકો આ વાત પર[1] ઈમાન ન લાવે તો શું તમે એમના પાછળ આ દુઃખમાં પોતાનો જીવ હલાક કરી નાખશો ?
(૭) ધરતી પર જે કંઈ છે અમે તેને ધરતીની શોભા માટે બનાવ્યું છે કે અમે તેમની પરીક્ષા લઈએ કે તેમનામાંથી કોણ નેક કામ કરનારો છે.
(૮) અને આના પર જે કંઈ છે અમે તેને સપાટ મેદાન કરી નાખવાના છીએ.
(૯) શું તમે પોતાના વિચારમાં ગુફા અને શિલા લેખવાળાઓને અમારી નિશાનીઓમાંથી કોઈ મોટી અદ્ભૂત નિશાની સમજી રહ્યા છો ?
(૧૦) તે નવયુવાનોએ જ્યારે ગુફામાં પનાહ લીધી તો દુઆ કરી કે, “હે અમારા પાલનહાર! અમને પોતાના પાસેથી કૃપા પ્રદાન કર અને અમારા કામમાં અમારા માટે રસ્તો આસાન કરી દે."[1]
(૧૧) પછી અમે તેમના કાનો પર ગણતરીના કેટલાય વર્ષો સુધી તે જ ગુફામાં પડદા નાખી દીધા.
(૧૨) પછી અમે તેમને ઊઠાડી ઊભા કરી દીધા કે અમે એ જાણી લઈએ કે બે જૂથોમાંથી આ મોટી મુદતને જે તેમણે પસાર કરી છે, કોણે વધારે યાદ રાખી છે ?[1] (ع-૧)