Surah Al-Ma'arij
સૂરહ અલ-મઆરિજ
સૂરહ અલ-મઆરિજ
નીચે આપેલી આયતોની તિલાવત સાંભળવા માટે Play બટન પર ક્લિક કરો.
અલ્લાહના નામથી શરૂ કરુ છું જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
(૧) એક માંગણી કરનારે તે અઝાબની માંગણી કરી જે (ઘટિત) થવાવાળો છે.
(૨) કાફિરો ઉપર, જેને કોઈ ટાળી શકનાર નથી.
(૩) તે અલ્લાહ તરફથી જે સીડીઓ (આકાશો) વાળો છે.
(૪) જેના તરફ ફરિશ્તાઓ અને રૂહો (આત્માઓ) ચઢે છે, [1] એક એવા દિવસમાં જેની મુદ્દત પચાસ હજાર વર્ષની છે. [2]
(૫) તો તમે સારી રીતે ધીરજ રાખો.
(૬) બેશક આ લોકો અઝાબને દૂર સમજી રહ્યા છે.
(૭) અને અમે તેને નજીક જ જોઈ રહ્યા છીએ.
(૮) જે દિવસે આકાશ તેલની તલછટ જેવું થઈ જશે.
(૯) અને પહાડ રંગબેરંગી (પિંજેલા) ઊન જેવા થઈ જશે.
(૧૦) અને કોઈ દોસ્ત બીજા કોઈ દોસ્તને નહિં પૂછે.
(૧૧) (જો કે) એક-બીજાને બતાવી દેવામાં આવશે, ગુનેહગારો તે દિવસના અઝાબના બદલા (ફિદિયા)માં પોતાની સંતાનને આપવા ઈચ્છશે,
(૧૨) પોતાની પત્નીને, અને પોતાના ભાઈને,
(૧૩) અને પોતાના પરિવારને જે તેને પનાહ આપતું હતું,
(૧૪) અને દુનિયાના તમામ લોકોને, જેથી તેઓ તેને મુક્તિ (છૂટકારો) અપાવી દે.
(૧૫) (પરંતુ) ક્યારેય એવુ નહિં બને, બેશક તે ભડકતી આગ છે.
(૧૬) જે (મોઢા અને માથાની) ચામડી ઉતારવાવાળી છે.
(૧૭) તે દરેક એવા માણસને બોલાવશે જેણે પીઠ બતાવી હશે અને મોઢું ફેરવ્યું હશે.
(૧૮) અને (ધન) ભેગું કરીને સંઘરી રાખે છે. [3]
(૧૯) બેશક મનુષ્યને ખૂબ જ કાચા હૃદયવાળો બનાવવામાં આવ્યો છે. [4]
(૨૦) જયારે તેને કોઈ તકલીફ પહોંચે છે ત્યારે ગભરાઈ જાય છે.
(૨૧) અને જયારે સુખ પ્રાપ્ત થાય છે ત્યારે કંજૂસી કરવા લાગે છે.
(૨૨) પરંતુ તે નમાઝીઓ,
(૨૩) જેઓ પોતાની નમાઝોની હંમેશા પાબંદી રાખવાવાળા છે. [5]
(૨૪) અને જેમના ધનમાં અમુક ભાગ છે.
(૨૫) માંગવાવાળાઓનો પણ અને સવાલ કરવાથી બચનારાઓનો પણ.
(૨૬) અને જેઓ ન્યાયના દિવસ પર વિશ્વાસ રાખે છે.
(૨૭) અને જેઓ પોતાના રબના અઝાબથી ડરતા રહે છે.
(૨૮) બેશક તેમના રબનો અઝાબ નિર્ભય થવા જેવી વાત નથી.
(૨૯) અને જે લોકો પોતાના ગુપ્તાંગો (શર્મગાહો) ને (હરામથી) બચાવે છે.
(૩૦) પરંતુ પોતાની પત્નીઓ અને દાસીઓના વિશે જેમના તેઓ માલિક છે, તેઓને કોઈ ઠપકો (ફિટકાર) નથી. [6]
(૩૧) હવે જે કોઈ આના સિવાય (રસ્તો) શોધશે તો એવા લોકો હદ પાર કરનારા છે.
(૩૨) અને જેઓ પોતાની અમાનતોનો અને પોતાના વાયદાઓનો તથા વચનોનો ખયાલ રાખે છે.
(૩૩) અને જેઓ પોતાની સાક્ષીઓ પર મક્કમ રહે છે.
(૩૪) અને જેઓ પોતાની નમાઝોની રક્ષા કરે છે.
(૩૫) આ જ લોકો જન્નતમાં ઈજ્જત (અને સમ્માન) વાળા હશે. (ع-૧)