(૧૫૫) અને આ (પવિત્ર કુરઆન) એક મુબારક કિતાબ છે જેને અમે ઉતારી, એટલા માટે તમે તેનું પાલન કરો, જેથી તમારા ઉપર દયા કરવામાં આવે.
(૧૫૬) "જેથી એમ ન કહો કે અમારાથી પહેલા બે કોમો (સમુદાય) ૫૨ કિતાબ (તૌરાત અને ઈન્જીલ) ઉતારવામાં આવી અને અમે તેની તાલીમથી અજાણ રહ્યા.
(૧૫૭) અથવા તેને એમ ન કહો કે જો અમારા ઉપર કિતાબ ઉતરતી તો અમે તેમનાથી વધારે સાચા રસ્તા પર હોત, તો તમારા પાસે તમારા રબ તરફથી સ્પષ્ટ દલીલ અને હિદાયત અને કૃપા આવી ચૂકી છે, પછી તેનાથી વધારે ગુનેહગાર કોણ હશે જે અલ્લાહની આયતોને ખોટી ઠેરવે અને તેનાથી ફરી જાય, અમે સખત સજા અમારી આયતોથી ફરવાને કારણે એમને આપીશું જેઓ વિમુખ થઈ રહ્યા છે.
(૧૫૮) શું, તેઓ ફરિશ્તાઓના આવવાની રાહ જોઈ રહ્યા છે અથવા પોતાના રબના આવવાની અથવા તમારા રબની કેટલીક નિશાનીઓ આવવાની ? જે દિવસે તમારા રબ તરફથી નિશાનીઓ આવી જશે તો કોઈ વ્યક્તિને તેનું ઈમાન કામ નહી આવે જેણે તેનાથી પહેલા ઈમાન કબૂલ કર્યું ન હોય અથવા પોતાના ઈમાનમાં નેક કામ કર્યુ ન હોય, તમે કહી દો તમે પણ રાહ જુઓ અને અમે (પણ) રાહ જોઈએ છીએ. [1]
(૧૫૯) બેશક જેમણે પોતાના ધર્મના ટુકડે-ટુકડા કરી નાખ્યા અને અનેક ધાર્મિક સંપ્રદાય (ફિરકા) બની ગયા, [1] તમારો તેમના સાથે કોઈ સંબંધ નથી, તેમનો ફેસલો અલ્લાહ પાસે છે પછી તે જ તેમને બતાવશે જે તેઓ કરતા રહ્યા છે.
(૧૬૦) જે વ્યક્તિ સારૂ કામ કરશે તેને તેનાથી દસ ગણુ મળશે, અને જે ખરાબ કામ કરશે તેને તેના બરાબર સજા મળશે અને તે લોકો ઉપર જુલમ નહિ થાય.
(૧૬૧) તમે કહી દો કે, “મને મારા રબે એક સાચો માર્ગ દેખાડી દીધો છે કે તે એક તદ્દન સાચો ધર્મ છે જે તરીકો (પધ્ધતિ) છે ઈબ્રાહીમનો, જે અલ્લાહ તરફ એકાગ્ર હતા અને તે મુશરિકોમાંથી ન હતા."
(૧૬૨) તમે કહી દો કે બેશક મારી નમાઝ અને મારી તમામ ઈબાદતો અને મારૂ જીવવું અને મરવું બધું જ સમગ્ર સૃષ્ટિના રબ માટે છે.
(૧૬૩) જેનો કોઈ ભાગીદાર નથી, મને તેનો હુકમ આપવામાં આવ્યો છે અને હું સૌ પ્રથમ મુસલમાન છું.
(૧૬૪) તમે કહો કે શું હું અલ્લાહ સિવાય કોઈ બીજા રબની શોધ કરૂં, જયારે કે તે દરેક વસ્તુનો રબ છે? [1] અને કોઈ વ્યક્તિ જે પણ કમાણી કરશે તે તેના ઉ૫૨ હશે, કોઈ બોજ ઉપાડનાર બીજા કોઈનો બોજ નહિ ઉપાડે, પછી તમારે તમારા રબ તરફ પાછા ફરવાનું છે તે તમારા મતભેદો વિશે તમને બતાવશે.
(૧૬૫) અને તેણે જ તમને ધરતીમાં ખલીફા (પ્રતિનિધિ) બનાવ્યા અને એકના દરજજાને બીજા પર વધાર્યા જેથી જે કંઈ તમને આપવામાં આવ્યું તેમાં તમારી પરીક્ષા કરે, બેશક તમારો રબ જલ્દી સજા આપવાવાળો છે અને બેશક તે દરગુજર (માફ) કરવાવાળો અને દયાળુ પણ છે. (ع-૨૦)