અલ્લાહના નામથી શરૂ કરુ છું જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
(૧) હે લોકો જેઓ ઈમાન લાવ્યા છો ! મારા તથા તમારા દુશ્મનોને તમારા દોસ્ત ન બનાવો,[1] તમે તો દોસ્તીમાં તેમના તરફ સંદેશા મોક્લાવો છો અને તેઓ તે સત્યનો કે જે તમારા પાસે આવી પહોંચ્યું છે તેનો ઈન્કાર કરે છે, રસૂલને તથા તમને પોતાને પણ ફકત એટલા માટે કાઢી મૂકે છે કે તમે તમારા રબ ઉપર ઈમાન રાખો છો, જો તમે મારા માર્ગમાં જિહાદ માટે અને મારી પ્રસન્નતાને શોધવા નીકળ્યા છો (તો તેમના સાથે દોસ્તી ન કરો) તમે તેમના પાસે મોહબ્બતનો સંદેશો છૂપાવી છૂપાવીને મોકલો છો અને અમને સારી રીતે ખબર છે જેને તમે છૂપાવો છો અને તેને પણ જેને તમે જાહેર કરો છો. તમારામાંથી જે કોઈ પણ આ કામ કરશે તે બેશક સીધા માર્ગથી ભટકી જશે.
(૨) જો તેઓ તમારા ઉપર કાબૂ મેળવી લે તો તેઓ તમારા ખુલ્લા દુશ્મન થઈ જાય અને બૂરાઈના સાથે તમારા ઉપર હાથ ઉઠાવવા લાગે અને અપશબ્દો કહેવા લાગે અને (દિલથી) ઈચ્છશે કે તમે પણ કુફ્ર કરવા લાગો.[1]
(૩) તમારા કુટુંબીઓ અને સંતાન તમને કયામતના દિવસે કામ નહીં આવે,[1] અલ્લાહ (તઆલા) તમારા વચ્ચે ફેસલો કરી દેશે અને તમે જે કંઈ કરી રહ્યા છો તેને અલ્લાહ (તઆલા) સારી રીતે જોઈ રહ્યો છે.
(૪) (મોમિનો) તમારા માટે (હઝરત) ઈબ્રાહીમ (અ.સ.) અને તેમના સાથીઓમાં ખૂબ જ ઉમદા નમૂનો છે, જ્યારે તે બધા એ પોતાની કોમને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે અમે તમારાથી અને જેની જેની તમે અલ્લાહ સિવાય બંદગી કરો છો તે બધાથી સંપૂર્ણ રીતે વિમુખ છીએ. અમે તમારો ઈન્કાર (માન્યતાનો) કરીએ છીએ, અને જ્યાં સુધી તમે અલ્લાહના એક હોવા પર ઈમાન ન લાવો અમારા અને તમારામાં હંમેશાના માટે કપટ અને વેર પેદા થઈ ગયો.[1] પરંતુ ઈબ્રાહીમની આટલી વાતતો તેમના પિતા સાથે થઈ હતી કે હું તમારા માટે માફીની દુઆ જરૂર કરીશ અને તમારા માટે મને અલ્લાહના સામે કોઈ હક પણ નથી. હે અમારા રબ ! તારા પર જ અમે ભરોસો કર્યો છે[2] અને તારા તરફ જ આકર્ષિત થઈએ છીએ અને તારા તરફ જ પાછા ફરવાનું છે.
(૫) હે અમારા રબ ! તું અમને કાફિરો માટે અજમાયશ ન બનાવ, હે અમારા રબ ! અમારી ભૂલોને માફ કર, બેશક તું જ પ્રભુત્વશાળી અને હિકમતવાળો છે.
(૬) તે જ લોકોના વર્તનમાં તમારા માટે અને તે દરેક વ્યક્તિ માટે ઉત્તમ આદર્શ છે જે અલ્લાહ અને કયામતના દિવસે અલ્લાહની મુલાકાત પર આશા રાખતો હોય, અને જો કોઈ વિમુખ થઈ જાય તો અલ્લાહ (તઆલા) પૂરી રીતે બેપરવાહ છે અને સ્વયં પ્રસંશિત છે. (ع-૧)