(૬૬) અને તમારા માટે તો જાનવરોમાં પણ મોટો બોધપાઠ છે કે અમે તમને તેમના પેટમાં જે કંઈ છે તેમાંથી ગોબર અને લોહીના વચ્ચેથી શુદ્ધ દૂધ પીવડાવીએ છીએ, જે પીનારાઓ માટે આસાનીથી પચી જાય છે.
(૬૭) અને ખજૂર અને દ્રાક્ષના વૃક્ષોના ફળોમાંથી તમે શરાબ બનાવી લો છો અને બહેતરીન રોજીનો સામાન પણ, જે લોકો અકલ રાખે છે તેમના માટે તો આમાં પણ ઘણી મોટી નિશાની છે.
(૬૮) અને તમારા રબે મધમાખીને એ સમજ આપી[1] કે પહાડોમાં, વૃક્ષોમાં અને લોકોના બનાવેલા ઊંચા ઊંચા છાપરાઓ ઉપર પોતાના ઘર (મધપૂડા) બનાવે.
(૬૯) અને દરેક પ્રકારના ફળ ખાય, અને પોતાના (રબ)ના આસાન માર્ગ પર હરતી-ફરતી રહે, તેમના પેટમાંથી (પીવાનો પદાર્થ) નીકળે છે, જેના ઘણા રંગ છે અને જેમાં લોકો માટે રોગ નિવારણ (શિફા) છે. ચિંતન-મનન કરનારાઓ માટે આમાં પણ ઘણી મોટી નિશાની છે.
(૭૦) અને અલ્લાહ (તઆલા)એ જ તમને બધાને પેદા કર્યા છે, તે જ તમને મૃત્યુ આપશે, અને તમારામાં એવા પણ છે જેમને સૌથી ખરાબ ઉંમર તરફ પહોંચાડવામાં આવે છે, કે ઘણું બધું જાણ્યા પછી પણ કંઈ ન જાણે,[1] બેશક અલ્લાહ (તઆલા) જાણવાવાળો અને તાકાતવાળો છે. (ع-૯)