Surah 'Abasa
સૂરહ અબસ
સૂરહ અબસ
સૂરહ અબસ (૮૦)
ભવા ચઢાવ્યુ (મોઢું બગડવું)
સૂરહ અબસ મક્કામાં નાઝીલ થઇ (ઉતરી) હતી. આ સૂરહ માં બેતાલીસ (૪૨) આયતો અને એક (૧) રૂકૂઅ છે.
સંપૂર્ણ સૂરહની તિલાવત સાંભળવા માટે નીચે આપલે Play બટન પર ક્લિક કરો.
અલ્લાહના નામથી શરૂ કરુ છું જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
(૧) તેમણે મોઢું બગાડીને મોઢું ફેરવી લીધું.
(૨) એટલા માટે કે તેમના પાસે એક આંધળો આવ્યો.[1]
(૩) તમને શું ખબર કે કદાચ તે સુધરી જતો.
(૪) અથવા નસીહત સાંભળતો અને તેને નસીહત ફાયદો પહોંચાડતી.
(૫) (પરંતુ) જે વ્યક્તિ લાપરવાહી કરે છે.
(૬) તેના તરફ તો તમે સંપૂર્ણ ધ્યાન આપો છો.
(૭) જો કે તેના ન સુધરવાથી તમને કોઈ હાનિ નથી.[2]
(૮) અને જે વ્યક્તિ તમારા તરફ દોડતો આવે છે.
(૯) અને તે ડરી (પણ) રહ્યો હોય છે.
(૧૦) તો તમે તેની ઉપેક્ષા કરો છો.
(૧૧) આ ઠીક નથી. (કુરઆન) તો તાલીમ (ની વસ્તુ) છે.[3]
(૧૨) જે ચાહે તેનાથી તાલીમ પ્રાપ્ત કરે.
(૧૩) આ તો પ્રતિષ્ઠિત વરકો (પાનાઓ)માં છે.
(૧૪) જે ઉચ્ચ દરજ્જાની અને પવિત્ર છે.
(૧૫) એવા લખવાવાળાઓના હાથોમાં છે.
(૧૬) જેઓ ઉચ્ચ દરજ્જાવાળા પવિત્ર છે.
(૧૭) અલ્લાહની ફિટકાર, મનુષ્ય પણ કેટલો નાશુક્રો (અપકારી) છે.[4]
(૧૮) તેને કઈ વસ્તુથી પેદા કર્યો.
(૧૯) એક વિર્યના ટીપાથી પેદા કર્યો. પછી તેને અંદાજા પર રાખ્યો.[5]
(૨૦) પછી તેના માટે રસ્તો આસાન બનાવ્યો.
(૨૧) પછી તેને મૃત્યુ આપ્યું, પછી તેને કબરમાં દાટી દીધો.
(૨૨) પછી જ્યારે તે ઈચ્છે ત્યારે તેને બીજીવાર જીવન પ્રદાન કરશે.
(૨૩) કદાપિ નહિં, તેણે હજી સુધી અલ્લાહના હુકમોનું પાલન નથી કર્યું
(૨૪) મનુષ્યને જોઈએ કે તે પોતાના ખોરાક (આહાર) તરફ જુએ.
(૨૫) કે અમે ખૂબ જ પાણી વરસાવ્યું.
(૨૬) પછી અમે જ ધરતીને સારી રીતે ફાડી નાખી.
(૨૭) પછી અમે તેમાં અનાજ ઉગાડ્યું.
(૨૮) અને દ્રાક્ષ અને શાકભાજી.
(૨૯) અને જેતુન અને ખજૂર.
(૩૦) અને ગીચ બાગ.
(૩૧) અને સૂકા ફળો (મેવા) અને ઘાસચારો પણ.[6]
(૩૨) તમારા વાપરવા અને ફાયદા માટે અને તમારા પશુઓના માટે.
(૩૩) પછી જયારે કાન બહેરા કરનારી (કયામત)[7] આવી જશે.
(૩૪) તો મનુષ્ય તે દિવસે પોતાના ભાઈથી નાસી જશે.
(૩૫) પોતાના માતા અને પિતાથી.
(૩૬) પોતાની પત્નિ અને સંતાનથી.
(૩૭) તેમનામાંથી દરેકને તે દિવસે એક એવી ચિંતા હશે જે તેને (પોતાનામાંજ વ્યસ્ત રાખવામાં) કાફી હશે.[8]
(૩૮) ઘણાખરા ચહેરાઓ તે દિવસે પ્રકાશિત હશે.[9]
(૩૯) (જેઓ) પ્રસન્ન અને આનંદિત હશે.
(૪૦) અને ઘણા બધા ચહેરા તે દિવસે ધૂળમાં પડેલા હશે.
(૪૧) તેમના ઉપર કાલિમા છવાયેલી હશે.
(૪૨) આ તે જ કાફિર અને દુરાચારી લોકો હશે. (ع-૧)